Site icon Revoi.in

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે.

કોરોનાએ રાજ્યમાં શહેરથી લઈએ ગામડામાં તબાહી મચાવી દીધી છે. રાજ્ય સરકાર આ પરિસ્થિતિને પહોચી વળવા ઘણા પ્રયત્નો કરી રહી છે. કોરોનાથી ગુજરાત એસ.ટી વિભાગના 800 કર્મચારીઓ સંક્રમિત થયા હતા. જેમાં મોટાભાગના ડ્રાઈવર અને કન્ડકટર સંક્રમિત બન્યા હતા. જેમાં 150 કર્મચારીઓએ  પોતાનો જીવ કોરોનાના કારણે ગુમાવ્યો છે. આજે એસટી મહા મંડળ દ્વારા આ કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. એસ.ટી મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.

કોરોનાની મહામારીમાં એસ.ટી સેવાઓ અમુક રૂટ પર ચાલુ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં લોકો એક શહેરથી બીજા શહેર અને પરપ્રાંતીય લોકોને બીજા રાજ્યમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે આ સેવા મીની લોકડાઉન દરમિયાન પણ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન કોરોનાના કહેર વચ્ચે ડ્રાઈવર અને કન્ડકટર એ ફરજ બજાવી છે. તો તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ એ પણ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવ ના જોખમ એ કોરોના કાળમાં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.

એસટીના જે કર્મચારીઓના કોરોનાના સંક્રમણને કારણે મોત નિપજ્યા છે, તેમના પરિવારની હાલત કફોડા બની છે. આવકનું કોઈ સાધન નથી. આથી જો એસટીના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવે તો મૃત્યુના કિસ્સામાં રૂપિયા 25 લાખની સહાય મળી શકે તેમ છે.