Site icon Revoi.in

ગુજરાતના પ્રાથમિક શાળાના બે લાખથી વધુ શિક્ષકોને 3જી ડિસેમ્બરથી CPR તાલીમ અપાશે

Social Share

ગાંધીનગરઃ શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની તમામ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ શિક્ષકોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવશે. આ એક દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાશે. તા. 3જી ડિસેમ્બર અને તા.17મી ડિસેમ્બર-2023ના રોજ રવિવારના દિવસે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવશે.

વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં તબીબી એસોસિયેશન અને વિવિધ શિક્ષણ સંઘો વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા. શિક્ષણ મંત્રીએ આ કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે. અગાઉ રાજ્યની પોલીસને આ તાલીમ આપવામાં આવી હતી, હવે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાને લઇ શિક્ષકોને આ તાલીમ આપવાનું આયોજન કરાયું છે. ત્યાર બાદ માધ્યમિક શાળાના શિક્ષકો અને કોલેજના પ્રાધ્યાપકશ્રીઓને પણ તબક્કાવાર તાલીમ આપવાનું આયોજન છે.

તેમણે ઉમેર્યું કે, કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના શિક્ષકો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા 05  થી 10 મીનીટનો સમય જતો હોય છે. તે 05 થી 10  મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.

મંત્રી એ ઉમેર્યું કે, આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાશે. જેમાં બે લાખથી વધારે શિક્ષકોને આ CPR ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં ગુજરાતની 37 મેડિકલ કોલેજો અને અન્ય 14 સ્થળો પર 2500થી વધુ ડૉકટરો અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે અપાશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં સવારે 10.00થી સાંજે 05.00 કલાક સુધી યોજાશે જેમાં ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ પુર્ણ થયા બાદ તાલીમ અંગેનું પ્રમાણપત્ર પણ એનાયત કરાશે.

Exit mobile version