Site icon Revoi.in

માફિયા મુખ્તાર અંસારીનું મોત ઝેરથી નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું, વિસેરા પરીક્ષણમાં ઘટસ્ફોટ

Social Share

લખનૌઃ માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવાનો મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તારનો વિસેરા ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેને ન્યાયિક તપાસ ટીમને મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. જેલવાસ ભોગવતા મુખ્તાર અંસારીના અવસાન બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ ગંભીર આક્ષેપ કર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું 28મી માર્ચની મોડી રાત્રે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મુખ્તારના પરિવારે તેના પર જેલમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે વહીવટી અને ન્યાયિક તપાસ ટીમો બનાવવામાં આવી હતી. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીના મૃત્યુની પુષ્ટિ થઈ છે, તેમ છતાં વિસેરાને તપાસ માટે લખનઉ મોકલવામાં આવ્યો હતો. વિસેરા રિપોર્ટ બાદ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે મુખ્તાર અન્સારીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. જો કે તપાસ ટીમના કોઈ અધિકારી આ અંગે કંઈ કહેવા તૈયાર નથી.

ન્યાયિક તપાસ ટીમે આશરે 10 દિવસ પહેલા માંડલ જેલ બાદ આ કેસમાં મેડિકલ કોલેજનું પણ નિરીક્ષણ કર્યું હતું. ટીમે કોલેજ મેનેજમેન્ટ પાસેથી માફિયાની સારવારનો BHT રિપોર્ટ પણ માંગ્યો હતો, પરંતુ તેની સારવાર કરનારા 10 થી 12 ડોક્ટરોની હજુ પૂછપરછ કરવાની બાકી છે. મેડિકલ કોલેજના અધિકારીઓનું કહેવું છે કે, જ્યુડિશિયલ ટીમ જ્યારે ઇચ્છે ત્યારે સારવાર કરી રહેલા ડોક્ટરોના નિવેદન લઇ શકે છે.