Site icon Revoi.in

મુંબઈ: PM મોદીના નામે નકલી બર્થડે લેટર મોકલી નાણા માંગનારા બે ગઠિયાઓની ધરપકડ

Social Share

મુંબઈ, 6 એપ્રિલ 2026: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદ અને ગરિમાનો દુરુપયોગ કરી છેતરપિંડી આચરતી એક ટોળકીનો મુંબઈ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલે (ખંડણી વિરોધી સ્ક્વોડ) પર્દાફાશ કર્યો છે. વડાપ્રધાનના નકલી હસ્તાક્ષર વાળો જન્મદિવસનો શુભેચ્છા પત્ર બનાવી એક સામાજિક કાર્યકર્તા પાસે 4 લાખ રૂપિયાની રકમ માંગનારા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદી મહિલા “મેગા શ્રેયા” નામની એક NGO ચલાવે છે, જે વર્ષ 2020થી અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમો માટે સામાજિક કાર્ય કરે છે. વર્ષ 2022માં એક કાર્યક્રમ દરમિયાન તેમની મુલાકાત પોતાને પત્રકાર ગણાવતા તૌસીફ પટેલ અને ફરનાઝ વાડિયા સાથે થઈ હતી. ગત 18 માર્ચના રોજ તૌસીફ પટેલે ફરિયાદકર્તાને વોટ્સએપ પર વોઈસ નોટ મોકલીને લાલચ આપી હતી કે, જો તેઓ પૈસા આપશે તો વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી તેમને જન્મદિવસનો શુભેચ્છા પત્ર અપાવશે.

આરોપીઓએ વિશ્વાસ જીતવા માટે વડાપ્રધાનના હસ્તાક્ષર વાળો એક ડિજિટલ પત્ર મોકલ્યો હતો, જેમાં NGOના સામાજિક કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપીઓએ આ લેટરને અસલી સાબિત કરવા માટે ફરિયાદીના નામે એક નકલી ઈમેઈલ આઈડી પણ બનાવ્યું હતું. જ્યારે ફરિયાદીએ આ પત્ર સોશિયલ મીડિયા પર મૂક્યો ત્યારે તેમના સહકર્મીઓએ તેની સત્યતા પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આરોપીઓએ ‘પીઆર ફી’ ના નામે 4 લાખ રૂપિયાની કડકાઈથી ઉઘરાણી શરૂ કરી હતી.

સતત મળતી ધમકીઓથી કંટાળીને ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે વર્લી સી ફેસ પર આવેલી એક હોટલમાં છટકું ગોઠવ્યું હતું. જેવું ફરિયાદી પાસેથી આરોપીઓએ નાણું સ્વીકાર્યું કે તરત જ પોલીસે તૌસીફ હુસૈન ઈસ્માઈલ પટેલ (ઉ.વ. 44) અને સિદ્ધિનાથ દીનાનાથ પાંડે ઉર્ફે સુનીલ (ઉ.વ.43)ને રંગેહાથે ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી PMના નકલી હસ્તાક્ષર વાળો લેટર, રમકડાની નોટોના બંડલ, અસલી રોકડ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. એસ્પ્લેનેડ કોર્ટે બંને આરોપીઓને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે વડાપ્રધાનનો નકલી લેટરહેડ અને ડિજિટલ સહી ક્યાંથી તૈયાર કરવામાં આવી અને આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે. વર્લી પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રોહિત શર્માએ IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ધોનીનો રેકોર્ડ તોડ્યો

Exit mobile version