Site icon Revoi.in

દેશમાં વર્ષ 2023 સુધીમાં વિવિધ રાજ્યોમાં યોજનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જ હશે ભાજપનો સ્ટાર ચહેરો

Social Share

નવી દિલ્હીઃ ભાજપએ દેશના વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે. 2023 સુધી યોજાનારી તમામ વિધાનસભા ચૂંટણીઓ સામૂહિક નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ સ્ટાર ચહેરો રહેશે. રણનીતિ મુજબ કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રીનું નામ પ્રોજેક્ટ કરવામાં આવશે નહીં. જો કે, વર્તમાન મુખ્યમંત્રીઓને ચૂંટણી જીત્યા પછી પણ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેવાની તક મળી શકે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જ્યારે કર્ણાટક, ત્રિપુરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હિમાચલ, ગુજરાત, ત્રિપુરા અને મધ્યપ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે. તાજેતરમાં, પાર્લામેન્ટરી બોર્ડના પુનર્ગઠન પછી, ટોચના નેતાઓ દ્વારા એ વાત પર સહમતિ દર્શાવવામાં આવી હતી કે, શાસક રાજ્યોના નેતૃત્વમાં સત્તા વિરોધી વલણ છે. સંગઠન સ્તરે સંકલનનો અભાવને પગલે વર્તમાન મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો વિકલ્પ ટાળવાની જરૂર છે.

બીજેપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, વર્તમાન મુખ્યમંત્રીઓ પણ એ જ મત ધરાવે છે કે, વિધાનસભા ચૂંટણીમાં માત્ર પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો હોવો જોઈએ. વિવિધ રાજ્યોના મતદારોને આ સંદેશ આપવો જોઈએ, મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર વધુ સારી પસંદગી છે. પાર્ટીના એક જનરલ સેક્રેટરીએ કહ્યું કે, સામૂહિક નેતૃત્વનો અર્થ એ નથી કે જો સત્તામાં આવશે તો સીએમ બદલવામાં આવશે. કદાચ વર્તમાન મુખ્યમંત્રીને બીજી તક આપી શકાય છે. ગોવા અને ઉત્તરાખંડમાં સીએમ બદલવામાં આવ્યાં નથી. જે રાજ્યોમાં ભાજપ વિપક્ષમાં છે ત્યાં પણ પાર્ટી મોદીના ચહેરા સાથે ચૂંટણી લડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના આંતરિક સર્વેમાં એવો કોઈ વર્તમાન સીએમ નથી કે જેની લોકપ્રિયતા 25 ટકાથી વધુ હોય, જ્યારે પીએમ મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ 75 ટકાથી વધુ છે. આવી સ્થિતિમાં પાર્ટી કોઈપણ વર્તમાન મુખ્યમંત્રીને પોતાનો ચહેરો રજૂ કરીને કોઈ જોખમ લેવાનું પસંદ કરશે નહીં.