Site icon Revoi.in

કોરોનાના વધતા કેસ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ, ઑક્સીજન સિલિન્ડરની પણ ભારે અછત

Social Share

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોરોનાના સતત વધતા સંક્રમણને કારણે ફરીથી ઑક્સિજન સિલિન્ડર તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને સમસ્યા વર્તાઇ રહી છે. કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન કેટલીક જગ્યાએ નક્કી કરવામાં આવેલી કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઇ રહ્યા છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારને આ મામલે, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાંથી ફરિયાદ પણ મળી છે. આ સાથે જ હૉસ્પિટલોમાં ઑક્સિજનની માંગ પણ વધી છે. આ જ કારણોસર ઑક્સીજન સિલિન્ડરના પણ કાળાબજાર જોવા મળી રહ્યા છે.

કોરોના સંક્રમણ વધવાના કારણોસર રેમડેસિવિરની માંગ પણ ખૂબ વધી છે. એક રિપોર્ટ અનુસાર, 28 માર્ચ પછી રેમડેસિવિરની માંગ 50 ગણી વધી છે. આથી કેન્દ્ર સરકારોએ દવા બનાવતી કંપનીઓને ઉત્પાદન વધારવા કહ્યું છે. હાલમાં એવી સ્થિતિનું સર્જન થયું છે કે રેમડેસિવિરના એક ડોઝ માટે લોકોએ દોઢ થી બે લાખ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ભારતમાં સાત કંપની રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. આ કંપનીઓની ક્ષમતા મહિનાની 31.60 લાખ વાયલ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત ખરાબ થતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ખૂબ વધી છે. મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે રેમડેસિવિરની એક બોટલની કિંમત 1,100 રૂપિયાથી 1,400 રૂપિયા નક્કી કરી રતી. સાથે જ સંગ્રહખોરી અને કાળાબજારા વિરુદ્ધ ચેતવણી ઉચ્ચારી છે.

અમદાવાદ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની ભીડ યથાવત રહી છે. લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ઇન્જેક્શન નથી મળી રહ્યા. શુક્રવારે ઝાયડસ હૉસ્પિટલ બહાર ઇન્જેક્શન લેવા માટે 300થી વધારે લોકો લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ સુરત, રાજકોટ, મહેસાણાના લોકો પણ ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ ખાતે પહોંચી રહ્યા છે.

(સંકેત)