Site icon Revoi.in

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

Social Share

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ કરવા માટે ચાર સપ્તાહની જરૂર પડશે.

સોલિસિટર જનરલ તૂષાર મહેતાએ સુપ્રીમમાં જણાવ્યું કે, EWS શ્રેણી નિર્ધારિત કરવા માટે ચોક્કસ માપદંડો નિશ્વિત કરવા માટે એક સમિતિનું ગઠન કરાશે અને સમિતિને આ કામ કરવામાં ચાર સપ્તાહની અવધિ લાગશે. અદાલતમાં પહેલા અપાયેલા આશ્વાસન અનુસાર નીટ કાઉન્સેલિંગ વધુ ચાર સપ્તાહ સ્થગિત કરાશે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ (એમસીસી)ની ૨૯મી જુલાઈના જાહેરનામાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષમાં મેડિકલ અભ્યાસક્રમો માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-પીજી)માં પ્રવેશ માટે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને ૨૭ ટકા અને ઈડબલ્યુએસને ૧૦ ટકા અનામત પૂરું પાડવામાં આવ્યું છે.

ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું કે ઈડબલ્યુએસ અનામત ખૂબ જ સક્ષમ અને પ્રગતિશીલ પ્રકારનું અનામત છે. બધા જ રાજ્યોએ કેન્દ્રના આ પ્રયાસમાં તેનું સમર્થન કરવું જોઈએ. બેન્ચે કહ્યું કે એકમાત્ર સવાલ એ છે કે આ શ્રેણી વૈજ્ઞાાનિક રીતે નિશ્ચિત થવી જોઈએ અને કેન્દ્ર સરકારનો અગાઉથી નિશ્ચિત કરેલા માપદંડની સમિક્ષા કરવાનો નિર્ણય પ્રશંસનીય છે.

અરજદાર તરફથી વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે કહ્યું કે શૈક્ષણિક સત્રમાં ઘણો સમય પસાર થઈ ગયો હોવાથી કેન્દ્ર સરકારે આગામી શૈક્ષણિક વર્ષ માટે ઈડબલ્યુએસ અનામતનો અમલ પાછો લેવો જોઈએ અને વર્તમાન વર્ષનું કાઉન્સેલિંગ શરૂ કરવુ જોઈએ. બેન્ચે દાતારની દલીલો પર સંમતિ વ્યક્ત કરી અને મહેતાને પૂછ્યું કે શું તેઓ આગામી શૈક્ષણિક વર્ષ સુધી બંધારણીય સંશોધનના અમલને પાછો લઈ શકે છે અને વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે કાઉન્સેલિંગ શરૂ કરી શકે છે?

જવાબમાં તુષાર મહેતાએ કહ્યું કે સરકારે વર્તમાન એકેડમિક વર્ષ માટે ૧૦૩મા બંધારણીય સંશોધનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને તેને પાછો ખેંચવો યોગ્ય નથી.