Site icon Revoi.in

મહિલાઓ અને બાળકો સામેના ઓનલાઇન અપરાધો રોકવા દિલ્હીમાં રાષ્ટ્રીય સંવાદ યોજાયો

Social Share

નવી દિલ્હી, 13 માર્ચ 2026: વધતા જતા સાયબર ક્રાઈમના યુગમાં મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત ડિજિટલ વાતાવરણ પૂરું પાડવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નવી દિલ્હીમાં ‘મહિલાઓ અને બાળકો સામેના ઓનલાઈન અપરાધો (OCWC) પર રાષ્ટ્રીય સંવાદ’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહ સચિવે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સરકાર મહિલાઓ અને બાળકો માટે ગૌરવપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા મક્કમ છે. સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન ગુનાખોરી સામે લડવા માટે સંસ્થાકીય ક્ષમતાઓને મજબૂત કરવાનો અને તમામ હિસ્સેદારો વચ્ચે અસરકારક સંકલન સાધવાનો છે.

સભાને સંબોધતા ગોવિંદ મોહને સાયબર અપરાધોના વધતા પડકારો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશો આપ્યા હતા કે, ઓનલાઇન અપરાધોના કિસ્સામાં સમયસર તપાસ અને પીડિતોને તુરંત સહાય પૂરી પાડવી. સાયબર ગુનાઓ સામે લડવા માટે દરેક રાજ્યમાં મજબૂત અને વિશિષ્ટ એકમો તૈયાર કરવા. અપરાધીઓ સામે ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવી જેથી અન્ય ગુનેગારોમાં ફાળ પડે. સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ મધ્યસ્થીઓને આઇટી એક્ટના નિયમોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે ‘માસ્ટર ટ્રેનર્સ ઇન્ડક્શન પ્રોગ્રામ’ પણ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ દ્વારા પ્રશિક્ષિત અધિકારીઓનો એક રાષ્ટ્રીય પૂલ બનાવવામાં આવશે. આ માસ્ટર ટ્રેનર્સ પોતાના રાજ્યોમાં જઈને જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓને સાયબર તપાસની આધુનિક તકનીકો અને શ્રેષ્ઠ પદ્ધતિઓની તાલીમ આપશે. આ રાષ્ટ્રીય સંવાદમાં દેશભરની કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, સોશિયલ મીડિયા પ્રતિનિધિઓ, ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ (ISPs), શિક્ષણશાસ્ત્રીઓ, કાયદાકીય નિષ્ણાતો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્લેટફોર્મ દ્વારા સાયબર પડકારોને પહોંચી વળવા માટે સામૂહિક રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવામાં આવશે.

આ પણ વાંચોઃ મુંબઈ સાયબર ફ્રોડનો પર્દાફાશ: 300થી વધુ સિમ કાર્ડ વેચનાર એજન્ટની ધરપકડ

Exit mobile version