Site icon Revoi.in

જાણો ભારતના પાડોશી દેશમાં કેટલી કિંમતે વેચાય છે પેટ્રોલ અને ડિઝલ?

Social Share

અમદાવાદ: ત્રણ દિવસ બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી આગઝરતી તેજી જોવા મળી રહી છે. આ વધારા સાથે જ મુંબઇમાં પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 84.57 રૂપિયાના અત્યારસુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો છે.

આ વચ્ચે જો ભારતના પાડોશી દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવની વાત કરીએ તો શ્રીલંકામાં સૌથી સસ્તુ ડિઝલ વેચાય છે. હાલ શ્રીલંકામાં 1 લીટર ડિઝલની કિંમત 39.07 રૂપિયા છે. કંગાળ એવા પાકિસ્તાનમાં પણ ભારત કરતાં ઓછી કિંમતે પેટ્રોલ વેચાય છે.

ગ્લોબલ પેટ્રોલ પ્રાઇઝિસ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ વર્ષે 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં 1 લીટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા હતી. અમેરિકન ડોલરમાં આ કિમત 0.698 છે, જ્યારે ભારતીય રૂપિયામાં તે 50.87 રૂપિયા થાય છે. જો ડિઝલની કિંમતની વાત કરીએ તો તે દિવસે તેની કિંમત 116.08 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર હતી. ડોલરમાં તે 0.724 છે. આ પ્રમાણે ભારતીય રૂપિયામાં કિંમત 52.77 રૂપિયા થઇ.

શ્રીલંકા

શ્રીલંકામાં કિંમતની વાત કરીએ તો શ્રીલંકામાં 1 લીટર પેટ્રોલની કિંમત 161 શ્રીલંકન રૂપિયા હતી. જે ડૉલરમાં 0.83 છે અને ભારતીય રૂપિયામાં 60.49 છે. જે ભારતની તુલનામાં ઓછી છે. જો શ્રીલંકામાં ડિઝલની વાત કરીએ તો ત્યાં ડિઝલની કિંમત 104 શ્રીલંકન રૂપિયા હતી જે ડૉલરમાં 0.536 થાય છે. જો ભારતીય રૂપિયામાં જોઇએ તો તે 39.07 રૂપિયા છે.

નેપાળ

નેપાળ પાસે પેટ્રોલની એકપણ રિફાઇનરી નથી. તે પોતાના ઉપયોગનું પેટ્રોલ-ડિઝલ ભારત પાસેથી ખરીદે છે. તેમ છતાં ત્યાં ભારત કરતાં સસ્તુ પેટ્રોલ અને ડિઝલ છે. ત્યાં પેટ્રોલની કિંમત 110 નેપાળી રૂપિયા હતી. ડૉલરમાં તે 0.944 થાય. જો તેને ભારતીય રૂપિયામાં જોઇએ તો તે 68.80 રૂપિયા થાય છે. 1 ફેબ્રુઆરીએ ત્યાં ડિઝલની કિંમત 93 નેપાળી રૂપિયા હતી. ડોલરમાં તે 0.798 થાય છે. જો ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો તે 58.16 રૂપિયા પ્રતિ લીટર થાય છે.

(સંકેત)