Site icon Revoi.in

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ: શુક્રવારથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેશે

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. આ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દિલ્હીની કેજરીવાલ સરકારએ વીકેન્ડ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂની જાહેરાત કરી છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યુ હતું કે, દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન સાપ્તાહિક બજારો વારાફરતી ખુલશે. લગ્નની સિઝન હોવાથી તેને સંબંધિત પાસ ઇશ્યૂ કરાશે. દિલ્હીમાં સિનેમાહોલ 30 ટકાની ક્ષમતાની સાથે ખુલશે. સાથોસાથ રેસ્ટોરાંમાં માત્ર પેકિંગની વ્યવસ્થાને મંજૂરી અપાશે. અર્થાત્ રેસ્ટોરામાં ડાઇન-ઇન વ્યવસ્થા બંધ રહેશે માત્ર ટેક-અવે અને હોમ ડિલીવરીની સુવિધા ચાલુ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની છૂટ રહેશે. રાજધાનીમાં સ્થિતિ કાબૂમાં છે. લોકોના જીવ બચાવવા એ અમારી પ્રાથમિક્તા છે.

કોરોના સંક્રમણ ફેલાવાવના કારણમાં મોલ્સ, જિમ તેમજ સ્પા સેન્ટર ખાતે થતી ભીડ પણ હોય છે, જેને ધ્યાનમાં લેતા દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન મોલ્સ તેમજ જીમ અને સ્પા સેન્ટર પણ બંધ રહેશે.

(સંકેત)

Exit mobile version