Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરના વિકાસને મળશે વેગ: દુબઇએ ભારત સાથે કરી સમજૂતિ

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના વિકાસમાં હવે દુબઇ પણ સહભાગી બનશે. જમ્મૂ કાશ્મીરના વિકાસ અર્થે હવે જમ્મૂ કાશ્મીર પ્રશાસને દુબઇની સાથે એક મહત્વપૂર્ણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. જે કેન્દ્રશાસિત પ્રદેશને ઔદ્યોગિકીકરણ અને સતત વિકાસમાં નવી ઉંચાઇઓને આંબવામાં મદદ કરશે. જ્યારે ઘાટીમાં આતંકીઓ નિર્દોષ નાગરિકોની નિર્મમ હત્યા કરી રહ્યાં છે ત્યારે આ સમજૂતિ થઇ છે.

આપને જણાવી દઇએ કે દુબઇ તરફથી જમ્મૂ કાશ્મીર પ્રશાસનની સાથે આ સમજૂતિ આ ક્ષેત્રમાં કોઇ વિદેશી સરકાર તરફથી પહેલી રોકાણ સમજૂતિ છે. આ સમજૂતિ અંતર્ગત જમ્મૂ કાશ્મીરમાં ઔદ્યોગિક પાર્ક, આઇટી ટાવર, એક મેડિકલ કોલેજ અને એક સ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત પાયાગત માળખાનું નિર્માણ થશે.

આ સમજૂતિને લઇને ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કહ્યું હતું કે, આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશમીરની વિકાસ યાત્રા માટે એક મહત્વનો દિવસ છે. જમ્મૂ કાશ્મીરના અભૂતપૂર્વ વિકાસ માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માન્યો. આ સમજૂતિ આત્મનિર્ભર જમ્મૂ કાશ્મીર બનાવવાની અમારી પ્રતિબદ્વતાની પુષ્ટિ કરે છે.

જમ્મૂ કાશ્મીર વિકાસના પથ પર આગળ ચાલી રહ્યું છે. દુબઇની અનેકવિધ સંસ્થાઓએ કાશ્મીરમાં રોકાણ કરવા માટે તત્પર છે.