Site icon Revoi.in

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરવા સુપ્રીમનો ખેડૂતોને આદેશ

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતો કુંડલી-સિંધુ બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ખેડૂતોને ત્યાંથી એક બાજુનો રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જનહિત અરજી પરની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સોનીપત જીલ્લા પ્રશાસનને આદેશ આપ્યો હતો કે, નેશનલ હાઇવે 44 પર કુંડલી-સિંધુ બોર્ડર ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પાસેથી એક બાજુનો રસ્તો સામાન્ય લોકને અપાવવામાં આવે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોનીપત ડેપ્યુટી કમિશનર એક્શનમાં આવ્યા હતા અને મંગળવારે કુંડલી-સિંધુ બોર્ડર પર ખેડૂત પ્રદર્શનકારીઓની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ અને સામાન્ય લોકોને અનુભવાઇ રહેલી મુશ્કેલીનો હવાલો આપીને ખેડૂતોને રસ્તો ખાલી કરવા માટે વિનવણી કરી હતી.

મોનિકા અગ્રવાલે કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખાલી કરાવવા માટે જનહિત અરજી દાખલ કરાવી હતી. ડેપ્યુટી કમિશનરના કહેવા પ્રમાણે આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે એનએચ 44 પર કુંડલી-સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો સામાન્ય લોકો માટે ખાલી કરવા આદેશ આપ્યો છે.

મોનિકાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, નોઇડાથી દિલ્હી જવામાં હવે તેમને 20 મિનિટના બદલે 2 કલાક થાય છે અને તેના પાછળનું કારણ ખેડૂતો દ્વારા કરાતા આ ધરણાં છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ.કે.કૌલે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સમસ્યાનું નિરાકરણ ના લાવવા બદલ ફટકાર લગાવી હતી.