Site icon Revoi.in

કોરોના બેકાબૂ થતા દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત

Social Share

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હાલાત બેકાબૂ બનતા હવે કેજરીવાલ સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન લાગશે જે આગામી સોમવાર એટલે કે 26 એપ્રિલ સુધી લાગુ રહેશે. CM અરવિંદ કેજરીવાલ અનુસાર દિલ્હીમાં આ કોરોનાની ચોથી લહેર છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ તેમજ સીએમ કેજરીવાલની બેઠક થઇ હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે તેમજ વીકેન્ડ લોકડાઉન જેવા જ પ્રતિબંધો રહેશે.

અગાઉ, વેપારી સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સએ કોરોનાના વધતા કેસને જોતા દિલ્હીમાં 15 દિવસના સંપૂર્ણ લોકડાઉનની માગણી કરી હતી. સંસ્થાએ આ અંગે દિલ્હીના ઉપરાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો અને ટ્વિટ કરીને પણ તે વિશે જાણકારી આપી હતી.

આ બાજુ CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે કોરોના મહામારીનો કેર દેશભરમાં ખુબ ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં જે પ્રકારે કેર વધી રહ્યો છે તેને જોતા તત્કાળ પ્રભાવથી પૂર્ણ લોકડાઉન જરૂરી છે.

દિલ્હીમાં કોરોના ખુબ કેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 25462 જેટલા નવા કેસ નોંધાયા. જ્યારે 161 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

(સંકેત)