- દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર સુપ્રીમની કેન્દ્ર સરકારને ફટકાર
- સરકાર અમને એ બતાવે કે પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા છે?
- જરૂર પડે તો લોકડાઉન કરીને પણ પ્રદૂષણ નિયંત્રિત કરો
નવી દિલ્હી: દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું છે. વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે અને આ મુદ્દે જવાબ માંગ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી અને NCRમાં સતત વધતા પ્રદૂષણને કારણે AQIનું સ્તર સતત 500થી પણ ઉપર પહોંચી રહ્યું છે. પ્રદૂષણ મુદ્દે કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પગલાં લેવા તાકિદ કરી હતી. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, આવી સ્થિતિમાં લાગે છે કે ઘરમાં પણ માસ્ક પહેરવાની નોબત આવશે.
સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે જ CJI રમન્નાએ સરકારે વેધક સવાલો પૂછ્યા હતા. તમે જુઓ કે પરિસ્થિતિ કેટલી ભયજનક છે. આપણે પણ માસ્ક પહેરીને ઘરે બેસવું પડશે. શું પગલાં લેવામાં આવી રહ્યાં છે?
સુપ્રીમના વેધક સવાલ પર દલીલ કરતા કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, વાયુ પ્રદૂષણનું પહેલું કારણ પરાલી સળગાવવાનું છે. ખેડૂતોને પરાલી બાળતા રોકવા માટે કેટલાક નિયમો હોય તે આવશ્યક છે જેથી કરીને રાજ્ય સરકારો તેમની સામે પગલાં લઇ શકે.
સોલિસિલટર જનરલ તુષારની આ અપીલ પર સુપ્રીમ કોર્ટે સામે સવાલો કર્યા હતા કે, તમે કહો છો કે ખેડૂતો આ પ્રદૂષણ પાછળ જવાબદાર છે તો પછી તેને રોકવાની સિસ્ટમ ક્યાં છે?
તેમણે વધુમાં કહ્યું કે, “અમારે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો. કોઈપણ કટોકટીનું પગલું, કેટલીક ટૂંકા ગાળાની યોજનાઓ, તેને કેવી રીતે નિયંત્રિત કરવી?”
સુપ્રીમ કોર્ટના CJIએ ફટકાર લગાવી હતી કે, પરાળ સળગાવાવને કારણે પ્રદૂષણ કેટલાક અંશે છે, પરંતુ દિલ્હીમાં ફટાકટા, ઉદ્યોગોનો ધૂમાડો, ધૂળને કારણે અન્ય પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. આપણે નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. અમને જવાબ આપો કે તેને નિયંત્રિત કરવા માટે શું પગલાં લેવાશે અને જો જરૂર હોય તો બે દિવસનું લોકડાઉન પણ લગાડો અથવા બીજા કોઇ પગલં ભરો.