Site icon Revoi.in

સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન: દેશમાં આગામી સમયમાં દૈનિક 1 લાખ કોરોનાના કેસ સામે આવી શકે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંલગ્ન એક એજન્સીએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યું છે.

આ અનુમાન અનુસાર આગામી દિવસોમાં ભારતમાં રોજ કોરોનાના નવા 1 લાખ દર્દીઓ સામે આવે તેવી શક્યતા છે. છેલ્લા 2 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાથી વધુ 81000 લોકો સંક્રમિત થયા છે. જેના પગલે સ્વાસ્થ્ય એજન્સીઓ તેમજ સરકારની ચિંતા વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા તેમજ રસીકરણ વધુ ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા છે.

અગાઉ ગત ઑક્ટોબર મહિનામાં એવું થયું હતું જ્યારે રોજના 81000 કરતા વધારે દર્દીઓ કોરોનાના સપાટામાં આવતા હોય પણ એ પછી તેમાં ઘટાડો થવા માંડ્યો હતો. જો કે નવી લહેરમાં જે રીતે દર્દીઓ વધી રહ્યા છે તે જોતા સ્વાસ્થ્ય મંત્રાલયના નિષ્ણાતોનું અનુમાન છે કે, રોજ 1 લાખ કરતાં વધારે નવા દર્દીઓ સામે આવી શકે છે.

આ માટે ખાસ કરીને કોરોના વાયરસની વધેલી મારક ક્ષમતા અને લોકોની બેદરકારી જવાબદાર બનશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના ડૉક્ટર સમીરન પાંડાના મતે લોકોએ હાલમાં વધારે એલર્ટ રહેવાની જરૂર છે. કારણ કે આ વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ પાંચ રાજ્યોમાંથી જ છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબનો સમાવેશ થાય છે. બીજી તરફ અરુણાચલ પ્રદેશ, આસામ, આંદામાન નિકોબાર, મિઝોરમ, સિક્કિમ, લદ્દાખ અને નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં કોરોનાથી કોઇ મોત થયું નથી.

(સંકેત)