Site icon Revoi.in

હવે હરિદ્વાર કુંભ મેળામાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી, હાઇકોર્ટનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી દહેશત અને ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે બીજી તરફ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળા ઉપર પણ તેનો પ્રભાવ પડ્યો છે. કુંભ મેળા દરમિયાન સંક્રમણ ફેલાતું અટકાવી શકાય તે માટે હવે કુંભમાં આવતા તમામ લોકોએ પોતાનો RT-PCR ટેસ્ટ કરાવી નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય રહેશે. ઉત્તરાખંડ હાઇકોર્ટે એક આદેશ જારી કરીને આ સૂચના આપી છે. હાઇકોર્ટે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના નિર્ણયની ટીકા કરી હતી જેમાં તેમણે કુંભમાં મુલાકાત લેતા યાત્રાળુને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.

ઉત્તરાખંડ હાઇકોર્ટે કુંભ મેળા અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર માર્ગદર્શિકાનું કડક રીતે પાલન કરવામાં આવે. આ ઉપરાંત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જે લોકોએ વેક્સીનનો ડોઝ લીધો છે અને તે લોકો કુંભમાં સ્નાન માટે આવે છે તો તેમણે પોતાનું સર્ટિફિકેટ દર્શાવવું પડશે અને તો જ તેમને ટેસ્ટ વગર જવા દેવાશે. અન્ય તમામ લોકોએ કોરોના ટેસ્ટ ફરજીયાતપણે કરાવવો પડશે અને નેગેટિવ રિપોર્ટ આવે તે જ લોકોને કુંભમાં પ્રવેશ મળવાપાત્ર રહેશે.

નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં ચાલુ મહિને કુંભ મેળો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કુંભમાં આવતા લોકો માટે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ જરૂરી બનાવ્યો હતો. જો કે તાજેતરમાં જ નવા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે પૂર્વ સીએમના નિર્ણયને બદલતા કહ્યું કે કુંભમાં કોઈ પ્રતિબંધ નહીં હોય. તેમણે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ના હોય તો પ્રતિબંધ હટાવ્યો હતો. તીરથ સિંહ રાવતના નિર્ણયની નિંદા થઈ હતી. હાલમાં જ કેન્દ્રની આરોગ્ય ટીમ ઉત્તરાખંડ ગઈ હતી અને તેમણે ચેતવણી આપી હતી તેમજ નિયમોમાં કચાસની વાત પણ કરી હતી.

(સંકેત)