Site icon Revoi.in

પ્રવાસી મજૂરોને રાહત – સુપ્રીમ કોર્ટે કોરોના મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો રાજ્યને કર્યો નિર્દેશ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19 સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે વિતરણ માટે રાશન ઉપલબ્ધ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે. ત્રણ કાર્યકરોની અરજી પર ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એમઆર શાહની પેનલે મહત્વના નિર્દેશ આપ્યા હતા.

અરજીમાં કહેવાયું હતું કે પ્રવાસી મજૂરો કોવિડ-19ની બીજી લહેર દરમિયાન દેશના વિભિન્ન ભાગોમાં કરફ્યૂ અને લોકડાઉનના કારણે સંકટનો સામનો કરી રહ્યા છે. અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને પ્રવાસી મજૂરો માટે ખાદ્ય સુરક્ષા, કેશ ટ્રાન્સફર અને અન્ય કલ્યાણકારી ઉપાય સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવાની ભલામણ કરાઈ હતી.

કલ્યાણ યોજનાઓના લાભ આપી શકાય તે માટે પેનલે કેન્દ્રને 31 જુલાઇ સુધી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના રજીસ્ટ્રેશન માટે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રની મદદથી એક પોર્ટલ વિક્સિત કરવાનું કહ્યું. કોર્ટે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત રાજ્યોમાં વૈશ્વિક મહામારી ચાલુ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરો માટે સામુદાયિક રસોડાનું સંચાલન કરવાનો પણ નિર્દેશ આપ્યો.

સુપ્રીમ કોર્ટની પેનલે મહામારીની સ્થિતિ રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને વિનામૂલ્યે વિતરણ કરી શકાય તે માટે કેન્દ્રને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અનાજ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું.