Site icon Revoi.in

કેરળના વાયનાડમાં ફરી કુદરતનો પ્રકોપ: ટનલ રોડ પ્રોજેક્ટ સાઇટ પર ભીષણ લેન્ડસ્લાઈડ, 1 નું મોત

Social Share

વાયનાડ, 7 જુલાઈ 2026: કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં મંગળવારે ફરી એકવાર કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંના કલ્લાડી વિસ્તારમાં મીનાક્ષી બ્રિજ નજીક થયેલા એક ભીષણ લેન્ડસ્લાઈડ (ભૂસ્ખલન) માં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં હજુ પણ 7 જેટલા લોકો કાટમાળ નીચે લાપતા હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળે કોઝિકોડ અને વાયનાડ જિલ્લાને જોડતા એક મહત્વાકાંક્ષી અંડરગ્રાઉન્ડ ટનલ રોડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

આ ભયાનક દુર્ઘટના અંગે માહિતી આપતા કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશને જણાવ્યું હતું કે, ટનલના નિર્માણ સ્થળે ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી અને મલબાનો એક બહુ મોટો ઢગલો ત્યાં જ રાખવામાં આવ્યો હતો, જે સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અચાનક ધસી પડ્યો હતો. માટી ધસી પડવાને કારણે આસપાસના મોટા વૃક્ષો ઉખડી ગયા હતા અને પ્રોજેક્ટ સાઇટ પર લગાવવામાં આવેલા લોખંડ અને કપડાના મજબૂત બેરિકેડ્સ પણ પાણીના પ્રવાહમાં વહી ગયા હતા. મુખ્યમંત્રીએ તંત્ર સાથે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આક્ષેપ કર્યો હતો કે, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરોને આ જોખમી મલબો તાત્કાલિક હટાવી લેવા માટે ઘણા સમય પહેલા જ કડક આદેશ આપ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરોએ આ સૂચનાઓનું પાલન ન કર્યું, જેના કારણે આ હોનારત સર્જાઈ છે.

મુખ્યમંત્રી સતીશને સ્પષ્ટ કર્યું હતું કે, આ ઘટના માટે હવામાન વિભાગની કોઈ ચૂક જવાબદાર નથી, પરંતુ સમયસર માટી ન હટાવવાના કારણે જ આ દુર્ઘટના ઘટી છે. ઘટના પહેલા વિસ્તારમાં અતિભારે વરસાદ પડ્યો હતો, જો કે હાલમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે પરંતુ તે બચાવ કામગીરીમાં અવરોધ ઊભી કરી રહી છે. હાલ ઘટનાસ્થળે પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન દળની ટીમો તૈનાત છે અને જરૂર પડશે તો ભારતીય સેનાની પણ મદદ લેવામાં આવશે.

બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ દ્વારા વાયનાડ અને તેની આસપાસના જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આગામી 24 કલાકમાં 204 મીમીથી વધુ અતિભારે વરસાદ પડી શકે છે. વહીવટીતંત્રે આસપાસના રહેણાંક વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સદનસીબે દુર્ઘટના સમયે સાઇટ પર મજૂરો કામ કરી રહ્યા ન હતા, મલબામાં ફસાયેલા લોકોમાં મુખ્યત્વે એન્જિનિયરો અને સુરક્ષા કર્મચારીઓ હોવાની આશંકા છે. જો તે સમયે બાંધકામ ચાલુ હોત તો જાનહાનિનો આંકડો ઘણો મોટો હોત. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2024 માં પણ વાયનાડના મુંડક્કાઈ-ચૂરલમાલા વિસ્તારમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું, જેમાં આશરે ૨૫૦ થી વધુ લોકોના મોત થયા હતા અને આ નવી ઘટના પણ તે જ મેપ્પાદી પંચાયત વિસ્તારમાં બની છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Exit mobile version