Site icon Revoi.in

નવરાત્રિ મહોત્સવઃ રુપાલમાં પ્રાચીન પલ્લી નીકળી, લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Social Share

અમદાવાદઃ ગાંધીનગર નજીક સુપ્રસિદ્ધ રુપાલમાં નવમાં નોરતે રાતના પરંપરાગત રીતે વરદાયિની માતાજીની પલ્લી નીકળી હતી. પલ્લીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, અને માતાજીના પલ્લીના દર્શન કર્યાં હતા. દરમિયાન શ્રદ્ધાળુઓએ માતાજીની પલ્લીને ઘી ચડાવ્યું હતું. બીજી તરફ સુરક્ષાને કારણોસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ વરદાયિની માતાજીની પલ્લીના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા.

ગાંધીનગરના રૂપાલ ગામે કોરોનાના બે વર્ષ બાદ ભક્તો સાથે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. ગામના સુથાર અને લુહાર સમુદાય દ્વારા ખીજડાના વૃક્ષ ના લાકડામાંથી માતાજીની પલ્લી તૈયાર કરવામાં આવે છે જ્યારે પ્રજાપતિ સમુદાયના લોકો પલ્લીના કુંડા બનાવે છે. માળી સમાજ દ્વારા પલ્લીને ફુલોથી શણગારવામાં આવે છે તથા રાજપૂત સમુદાયના લોકો ઊંધા મુખે ખુલ્લી તલવારથી પલ્લીની રક્ષા કરે છે, આમ તમામ સમુદાય દ્વારા તૈયાર થયા બાદ બ્રાહ્મણ સમાજ દ્વારા પલ્લીના પૂજન-અર્ચન કર્યા બાદ મા ની પલ્લી નગરચર્યાએ નીકળે છે. ગામમાં 27 ચોકે ફરીને માની પલ્લી મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ગામના તમામ ચોક પાસે મૂકેલા પીપ તથા વિવિધ પાત્રોમાં લોકો પોતે પોતાની માનતાનું ઘી ચઢાવામાં આવ્યું હતું. બહારથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ના ન પડે અને જરુરીયાતની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા મંદિરના આગેવાનો અને ગ્રામજનોએ કરી હતી. તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. આમ પલ્લીમાં ઘી નાખવાના નીયમથી વહેલી સવાર થતા જ રૂપાલ ગામના તમામ રસ્તાઓ પર જેમ ઘી ની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.