Site icon Revoi.in

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

BJP

SHUDHANSHU TRIVEDI BJP

Social Share

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ નેહરુના જૂના પત્રોને ટાંકીને દાવો કર્યો છે કે નેહરુએ પાકિસ્તાનને ખુશ કરવા માટે સોમનાથના ગૌરવને ઓછું આંકવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાની પીએમ લિયાકત અલીને લખેલા પત્રનો ખુલાસો

રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં સોમનાથને ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ આઝાદ ભારતના ઇતિહાસમાં સોમનાથ પ્રત્યે સૌથી વધુ નફરત પંડિત નેહરુને હતી.” તેમણે દાવો કર્યો કે 21 એપ્રિલ 1951ના રોજ નેહરુએ પાકિસ્તાનના તત્કાલીન પીએમ લિયાકત અલી ખાનને ‘પ્રિય નવાબઝાદા’ સંબોધીને પત્ર લખ્યો હતો, જેમાં સોમનાથના દરવાજાની વાર્તાને ખોટી ગણાવી હતી અને મંદિર નિર્માણ જેવું કંઈ થઈ રહ્યું નથી તેવો બચાવ કર્યો હતો.

ભાજપના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે નેહરુએ માત્ર કેબિનેટ મંત્રીઓને જ નહીં, પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ પત્રો લખીને મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ ન થવા દબાણ કર્યું હતું. નેહરુના મતે સોમનાથ મંદિરના નિર્માણને કારણે વિદેશમાં ભારતની છબી ખરડાઈ રહી હતી.

સુધાંશુ ત્રિવેદીએ વધુમાં ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, નેહરુએ પાકિસ્તાનમાં ભારતના રાજદૂતને પત્ર લખીને સોમનાથમાં જળ અભિષેક માટે સિંધુ નદીનું પાણી લાવવાની મંજૂરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તત્કાલીન સૂચના અને પ્રસારણ મંત્રી આર.આર. દિવાકરને પત્ર લખીને સોમનાથના કાર્યક્રમનું પ્રસારણ ઓછું કરવા અને તેને ‘દેખાડો’ ગણાવ્યો હતો. નેહરુએ ભારતીય દૂતાવાસોને આદેશ આપ્યો હતો કે સોમનાથ ટ્રસ્ટને કોઈ પણ પ્રકારની મદદ કરવી નહીં.

સુધાંશુ ત્રિવેદીએ સવાલ ઉઠાવ્યો હતો કે પંડિત નેહરુને લિયાકત અલી ખાનનો એટલો શું ડર હતો કે તેમણે ભારતના સાંસ્કૃતિક પ્રતીકોને નબળા પાડવાનું પસંદ કર્યું? તેમણે આને ‘અંધ તુષ્ટિકરણ’ અને ‘મુગલ આક્રમણકારોનું મહિમામંડન’ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની સોમનાથ મુલાકાત પૂર્વે ભાજપ દ્વારા કરવામાં આવેલા આ આક્રમણથી આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે.

Exit mobile version