Site icon Revoi.in

ભારતના વાહનોના થર્ડ પાર્ટી વીમાના નવા બેઝ પ્રીમિયમ દર નક્કી કરાશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે ટુ-વ્હીલર, પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વાહનો સહિત વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર વીમાના નવા બેઝ પ્રીમિયમ દરોની દરખાસ્ત કરાઈ છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ અને જવાબદારી નિયમોનો મુસદ્દો ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) સાથે પરામર્શ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓની બસો માટે 15 ટકા ડિસ્કાઉન્ટની દરખાસ્ત કરવામાં આવી છે.

નોટિફિકેશન અનુસાર, થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ માટે થર્ડ પાર્ટીને થતા નુકસાનને આવરી લેવા માટે બેઝ પ્રીમિયમ દર 1,000 સીસીથી ઓછી પ્રાઈવેટ કાર માટે રૂ. 2,094 અને 1000-1500 સીસીની વચ્ચેની કાર માટે રૂ. 3,416 સૂચવવામાં આવ્યો છે. તેમજ 1500 સીસીથી વધુ ક્ષમતાવાળી કાર માટે, તે 7,897 રૂપિયા રાખવામાં આવી છે.

ડ્રાફ્ટ મુજબ, 75 સીસી સુધીના ટુ વ્હીલર માટે 538 રૂપિયાનો પ્રીમિયમ દર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે, અને 350 સીસી અને તેનાથી વધુના દ્વિચક્રી વાહનો માટે પ્રસ્તાવિત દર રૂ. 714 થી રૂ. 2,804 વચ્ચે હશે. 7,500 કિગ્રા કરતાં ઓછા વજનવાળા માલસામાનના વેપારી વાહનો (ત્રણ પૈડાં સિવાયના) માટે સૂચિત દર રૂ. 16,049 છે, જ્યારે 40,000 કિગ્રા અને તેનાથી વધુ વજનવાળા વાહનો માટે દર રૂ. 27,186 અને રૂ. 44,242 વચ્ચે રહેશે.

ઇ-કાર્ટ સિવાયના મોટર-સંચાલિત થ્રી વ્હીલર અને પેડલ સાયકલ માલસામાન કેરેજ વાહનો માટે પ્રસ્તાવિત દર રૂ. 4,492 છે. 30 kW સુધીની ખાનગી ઈ-કાર માટે રૂ. 1,780નો દર પ્રસ્તાવિત છે, જ્યારે પ્રસ્તાવિત દર 30 થી 65 kW માટે રૂ. 2,904 અને 65 kWથી વધુની કાર માટે રૂ. 6,712 છે. આ દર ત્રણ કિલોવોટ સુધીના ઈ-ટુ-વ્હીલર માટે રૂ. 457, ત્રણથી સાત કિલોવોટ માટે રૂ. 607, સાતથી 16 કિલોવોટ માટે રૂ. 1,161 અને 16 કિલોવોટ અને તેનાથી વધુના માટે રૂ. 2,383 હશે.