Site icon Revoi.in

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

લોકસભા અધ્યક્ષએ સતર્કતા અને સાવધાની રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉના અનુભવો જોતા સાવધાની રાખવાની જરૂરી છે. રાજ્યસભામાં પણ તમામ સાંસદ માસ્ક પહરેલા જોવા મળ્યાં હતા. સભાપતિએ પણ માસ્ક પહેર્યું હતું. બંને ગૃહમાં સાંસદો માસ્ક સાથે જોવા મળ્યાં હતા.

ઉત્તરાખંડ પણ કોરોના વાયરસના નવા પ્રકારને લઈને એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કોવિડ-19ના નિવારણ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અગાઉ આરોગ્ય મહાનિર્દેશક ડો. શૈલજા ભટ્ટે પણ તમામ જિલ્લાઓને જીનોમ સિક્વન્સિંગ માટે કોરોના સંક્રમિતના 10 ટકા સેમ્પલ મોકલવાની સૂચના આપી હતી.

જ્યારે કોવિડ શરૂ થયો, ત્યારે જે લક્ષણોની જાણ કરવામાં આવી હતી તેમાં સ્વાદ અને ગંધની ખોટ, શ્વાસ લેવામાં તકલીફ વગેરેનો સમાવેશ થતો હતો અને તેને વાયરસના સૌથી મોટા લક્ષણો માનવામાં આવતા હતા. સમય જતાં, જેમ જેમ નવા પ્રકારો બહાર આવ્યા તેમ, વાયરસ સાથે સંકળાયેલા લક્ષણોમાં પણ ઘણો બદલાવ આવ્યો. હવે મોટાભાગના લોકો ગંધ અને સ્વાદ ગુમાવવા અને શ્વાસ લેવામાં તકલીફને બદલે સતત ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ જેવા લક્ષણોની ફરિયાદ કરે છે.

આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કોરોનાના ભય વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. તેમજ સંક્રમણ વધારે ના ફેલાય તે માટે ઉચ્ચ અધિકારીઓને જરૂરી સુચન કર્યાં હતા. તેમજ પ્રજાને ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત કોવિડ ગાઈડલાઈનના પાલન માટે જરૂરી સુચનો કર્યાં હતા.