Site icon Revoi.in

નો મની ફોર ટેરર: આતંકવાદ મુદ્દે PM મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​’નો મની ફોર ટેરર’ આતંક ફંડિંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંત્રી સ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સંમેલન ભારતમાં યોજાઈ રહ્યું છે તે મોટી વાત છે. દાયકાઓ સુધી આતંકવાદે ભારતને ઘણુ નુકસાન કર્યું છે, પરંતુ અમે તેની સામે બહાદુરીથી લડ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું, જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. લાંબા સમયથી આતંકવાદની અસર ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે. પ્રવાસન ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં આતંકવાદે નુકશાન કર્યું છે. કોઈને આતંકવાદ પસંદ નથી, આતંકવાદી હુમલાઓને કારણએ લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદને ખતમ કરવા માટે ટેરરફન્ડીંગની તપાસ કરી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદ માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તે કોઈપણ દેશની સરહદને ઓળખતું નથી. તેમણે કહ્યું કે જો આતંકવાદને હરાવુ હોય તો આપણે એકતા અને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવવો પડશે. પીએમએ કહ્યું કે, બધા જાણે છે કે આતંકવાદી સંગઠનોને ઘણા સ્ત્રોતોથી ફંડ મળે છે. કેટલાક દેશો તેમની વિદેશ નીતિઓના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. બધા જાણે છે કે, કયો દેશ આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે. તેમણે કહ્યું કે આતંકવાદી ભંડોળનો એક સ્ત્રોત સંગઠિત અપરાધ છે. તેને એકાંતમાં જોવું જોઈએ નહીં. આ ટોળકી ઘણીવાર આતંકવાદી સંગઠનો સાથે ગાઢ સંબંધો ધરાવે છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. તેમણે આતંકવાદ સામે કેન્દ્રની ઝીરો ટોલરન્સ નીતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશના સુરક્ષા પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્રીજી મંત્રી પરિષદને સંબોધતા ડીજી ગુપ્તાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવું મારા માટે સન્માનની વાત છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ આતંકવાદી ફંડિંગ માટે થઈ રહ્યો છે. ભારત પાસે આના પુરાવા છે.