Site icon Revoi.in

નોઈડાઃ ઓનલાઈન શોપીંગના નામે ઠગાઈ આચરતી સાયબર ઠગ ટોળકી ઝડપાઈ

Social Share

નવી દિલ્હીઃ આધુનિક જમાનામાં સ્માર્ટફોનના વપરાશને કારણે ઓનલાઈન બેંકીંગ સહિતની કામગીરી ઓનલાઈન થઈ છે. બીજી તરફ સાયબર ઠગો પણ નવી નવી તરકીબો અજમાવીને લોકોના ખિસ્સા કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજાર જેવી શોપીંગ વેબસાઈટની બોગાસ વેબસાઈટ ઉભી કરીને લોકો સાથે છેતરપીંડી આચરતી સાયબર ફ્રોડ ગેંગને ઝડપી લીધી હતી. પોલીસે દિલ્હી નજીક નોઈડા નજીક દરોડા પાડીને છ આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગેંગએ ડી-માર્ટ, બીગ બાસ્કેટ અને બીગ બજારની ફેક વેબસાઈટ બનાવી લોકો સાથે કરોડોની છેતરપીંડી આચરી હતી. વેબસાઈટ મારફતે ટોળકી લોકોને ડિસ્કાઉન્ટ અને સસ્તી કિંમત ઉપર પ્રોડક્ટ ઓફર કરતા હતા. જેથી આ ઓફરમાં ફસાતા હતા. જ્યારે જે તે વ્યક્તિ પેમેન્ટ કરે ત્યારે તેના ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડની ડિટેલ્સ એક્સેસ કરી લેતા હતા. જે બાદ તેનો ઉપયોગ કરીને ટોળકી એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેતા હતા.

એડિશનલ ડીસીપી (સેન્ટ્રલ નોઈડા) રાજીવ શિક્ષિતએ જમાવ્યું હતું કે, ગૌત્તમ બુદ્ધ નગર પોલીસની સાઈબર હેલ્પલાઈન ટીમે છ આરોપીઓને ઝડપી લીધા છે. ગેંગના સભ્યો ગાઝિયાબાદ અને ગૌત્તમ બુદ્ધનગરમાં રહેતા હતા. તેમણે દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ ઉપરાંત દેશના બીજા શહેરોમાં લોકો સાથે છેતરપીંડી આચરી છે. પોલીસે વિનીત કુમાર, ધ્રુવ સોલંકી, ગૌરવ તલાન, સલમાન ખાન, સંતોષ મૌર્યા અને મનોજ મૌર્યાને ઝડપી લીધા છે. ટોળકી પાસેથી 3 લેપટોપ, ચાર મોબાઈલ, બે ડેબિટ કાર્ડસ, મોટરકાર અને રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે ગુનો નોંધીને સાયબર ઠગોના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

(PHOTO-FILE)