Site icon Revoi.in

હવે દરેક ઉકાળો ચા નહીં કહેવાય, FSSAI એ વ્યાખ્યા બદલી

Social Share

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2026: TeaLovers જો તમે પણ હર્બલ ટી અથવા ફ્લેવર ટીના નામે ‘ચા’ પી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ‘ચા’ (Tea) શબ્દના ઉપયોગ અંગે અત્યંત કડક અને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે. હવેથી માત્ર એ જ ઉત્પાદનોને ‘ચા’ કહી શકાશે જે Camellia sinensis નામના છોડમાંથી બનાવવામાં આવ્યા હોય.

FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે બજારમાં વેચાતી હર્બલ ટી, રુઈબોસ ટી (Rooibos Tea) અને ફ્લેવર ટી જેવા ઉત્પાદનો માટે ‘ચા’ શબ્દનો ઉપયોગ કરવો એ ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા સમાન છે. આ પ્રકારના પીણાં હવે ‘પ્રોપ્રાઈટરી’ અથવા ‘નોન-સ્પેસિફિક ફૂડ’ નિયમો હેઠળ આવશે.

નવો નિયમ અનુસાર માત્ર એ જ પીણું ચા ગણાશે જે કુદરતી રીતે Camellia sinensis છોડના પાન અથવા કળીઓમાંથી બનેલું હોય. જો કોઈ કંપની અન્ય છોડ કે ફૂલમાંથી બનેલા પીણાને મિસ-બ્રાન્ડિંગ ગણવામાં આવશે.

FSSAI એ તમામ ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને આદેશ આપ્યો છે કે ખાદ્ય પદાર્થના પેકેટના આગળના ભાગમાં તેનું સાચું અને વાસ્તવિક નામ લખવું ફરજિયાત છે. ઓનલાઈન શોપિંગ સાઈટ્સ પર પણ હવે ખોટી રીતે ‘ટી’ શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં.

ખાદ્ય સુરક્ષા કાયદા (FSS Act, 2006) હેઠળ આ આદેશનું પાલન કરવું તમામ માટે અનિવાર્ય છે. રાજ્યના ફૂડ સેફ્ટી ઓફિસરોને આ આદેશનું કડક પાલન કરાવવા અને બજારમાં વેચાતા પેકેટોનું નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાહક તરીકે હવે તમે જ્યારે પણ ‘ટી’ પેકેટ ખરીદશો, ત્યારે તમને ખાતરી થશે કે તે ખરેખર ચા છે કે માત્ર હર્બલ ઇન્ફ્યુઝન (કાઢો). આ નિર્ણયથી ગ્રાહકોમાં જાગૃતિ આવશે અને પ્રીમિયમ અથવા હેલ્થ ડ્રિંક્સના નામે ચાલતી છેતરપિંડી પર બ્રેક લાગશે.

Exit mobile version