Site icon Revoi.in

હવે ગાંધીનગરથી પાંચેક કલાકમાં મુંબઈ પહોંચાશે, નવી વંદેભારત ટ્રેનનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ દેશની ત્રીજી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. તે ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે. આ ટ્રેન ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર કરવામાં આવી છે. તેના મોટાભાગના ભાગો ભારતમાં જ બને છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી-કાનપુર-અલાહાબાદ-વારાણસી રૂટ પર પ્રથમ વખત ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ આગામી 75 સપ્તાહ દરમિયાન 75 વંદે ભારત ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.

ઝડપ, સલામતી અને સેવા આ નવી નવીન સેમી હાઇ સ્પીડ ટ્રેનની વિશેષતા છે. ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં માત્ર 18 મહિનામાં તેનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે થોડીક સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડી શકે છે. પ્રવાસીઓ તેમના પ્રવાસના અનુભવ વિશે વધુ સારી રીતે અનુભવે તે માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ટ્રેન ઝડપ અને સુવિધાના સંદર્ભમાં ભારતીય રેલવે માટે એક મોટી છલાંગ છે.

આ ટ્રેનના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા, GPS આધારિત ઓડિયો-વિઝ્યુઅલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, મનોરંજન માટે ઓનબોર્ડ હોટસ્પોટ વાઇ-ફાઇ આપવામાં આવ્યા છે. વધુમાં, તેની આરામદાયક ખુરશી મુસાફરીને સરળ બનાવે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોચની બહાર રીઅરવ્યુ કેમેરા સહિત ચાર પ્લેટફોર્મ સાઈડ કેમેરા લગાવવામાં આવ્યા છે.

નવા કોચમાં બહેતર ટ્રેન નિયંત્રણ માટે લેવલ-II સેફ્ટી ઇન્ટીગ્રેશન સર્ટિફિકેશન છે. આ સાથે ટ્રેનમાં પાવર ફેલ થવાની સ્થિતિમાં દરેક કોચમાં ચાર ઈમરજન્સી લાઈટિંગ પણ હશે. ચક્રવાત અને પૂરનો સામનો કરવા માટે નવી વંદે ભારત એક્સપ્રેસને વધુ મજબૂત બનાવવામાં આવી છે. અગાઉ તેની ક્ષમતા 400 mm સુધી હતી, જે નવી ટ્રેનમાં વધારીને 600 mm કરવામાં આવી છે.

દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન હાલમાં બે રૂટ (નવી દિલ્હી-કટરા અને નવી દિલ્હી-વારાણસી) પર દોડી રહી છે. આ વર્ષની શરૂઆતમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખજુરાહોથી પણ વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં આ ટ્રેનો દેશભરમાં દોડશે. ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ છે.