Site icon Revoi.in

હવે ઘરે જ બનાવો મેંદાના બદલે ઘઉંના લોટના ફૂલેલા અને નરમ ભટુરે, જાણો રેસીપી

Social Share

છોલે-ભટુરેનું નામ સાંભળતા જ કોઈપણના મોઢામાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે ભટુરે મેંદામાંથી બનાવવામાં આવે છે, પરંતુ આજકાલ લોકો હેલ્થ પ્રત્યે જાગૃત હોવાથી મેંદો ખાવાનું ટાળતા હોય છે. જો તમને મેંદા જેવો જ સ્વાદ અને ટેક્સચર ઘઉંના લોટના ભટુરેમાં મળી જાય, તો તે સોનામાં સુગંધ ભળવા જેવું ગણાશે. સાચી સામગ્રી અને યોગ્ય પદ્ધતિથી તમે ઘરે જ ઘઉંના લોટના પોચા અને દડા જેવા ફૂલેલા ભટુરે બનાવી શકો છો, જે પચવામાં હળવા અને ખાવામાં લજ્જતદાર હોય છે.

ઘણા લોકોને લાગે છે કે મેંદા વગર ભટુરે સારા નથી બનતા અથવા ફૂલતા નથી, પણ આ વાત સાચી નથી. જો લોટને યોગ્ય રીતે બાંધવામાં આવે, તેને થોડો આરામ આપવામાં આવે અને તળવાની ટેકનિક સાચી હોય, તો ઘઉંના લોટના ભટુરે પણ મેંદા જેવા જ પરફેક્ટ બને છે.

ઘઉંનો લોટ 2 કપ, સોજી 2 મોટી ચમચી, અડધો કપ દહીં, અડધી નાની ચમચી બેકીંગ સોડા, અડધી ચમચી મીઠું, એક નાની ચમચી ખાંડ, લોટ બાંધવા અને તળવા માટે તેલ અને લોટ બાંધવા માટે હુંફાળું પાણી

એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને સોજી લો. તેમાં મીઠું, ખાંડ અને બેકિંગ સોડા ઉમેરો. હવે દહીં અને 1 ચમચી તેલ નાખી બધું બરાબર મિક્સ કરો. હૂંફાળા પાણીની મદદથી નરમ લોટ બાંધો. ધ્યાન રાખો કે લોટ બહુ કઠણ ન હોવો જોઈએ, કારણ કે નરમ લોટથી ભટુરે સારા ફૂલે છે. બાંધેલા લોટ પર થોડું તેલ લગાવી તેને 1 થી 2 કલાક માટે ઢાંકીને રાખી દો. આનાથી લોટમાં આથો આવશે અને ભટુરે મુલાયમ બનશે. લોટમાંથી લુઆ બનાવી તેને મીડિયમ સાઈઝના વણી લો. કઢાઈમાં તેલને બરાબર ગરમ કરો. ગરમ તેલમાં ભટુરે નાખી તેને હળવેથી દબાવો જેથી તે ફૂલી જાય. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ ફૂલેલા ભટુરેને મસાલેદાર છોલે, અથાણું અને ડુંગળી સાથે સર્વ કરો.

મેંદામાં ફાઈબર હોતું નથી અને તે પચવામાં ભારે હોય છે, જ્યારે ઘઉંના લોટમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તે ડાયજેશનને સુધારે છે અને પેટ પર ભારે પડતા નથી. જે લોકો ડાયટ પર છે અથવા હેલ્ધી ઓપ્શન શોધી રહ્યા છે તેમના માટે આ બેસ્ટ રેસીપી છે.

 

Wheat Flour Bhature Recipe, Healthy Bhature Recipe, Gehu na lot na bhature, No Maida Bhature, Gujarati Recipe, Healthy Indian Breakfast.

 

Exit mobile version