Site icon Revoi.in

પાકિસ્તાનઃ આર્થિક સંકટમાં ફસાયેલી પ્રજા ઉપર શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સનો બોજો લાદ્યો

Social Share

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની પ્રજા ઉપર પીએમ શહબાઝ શરીફ સરકારે રૂ. 115 અબજનો ટેક્સ બોમ્બ ઝીંક્યો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ IMFની શરતોનું પાલન કરવા માટે મિનિ-બજેટ રજૂ કરવા માટે વટહુકમ બહાર પાડવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ શેહબાઝ શરીફ સરકારે રાત્રે ફેડરલ બોર્ડ ઓફ રેવન્યુ (FBR) તરફથી એક સૂચના જારી કરીને 115 અબજ રૂપિયાનો ટેક્સ લગાવ્યો હતો.

જનરલ સેલ્સ ટેક્સ (GST) નો પ્રમાણભૂત દર 15 ફેબ્રુઆરી 2025 થી 17 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. સિગારેટ પરની એક્સાઈઝ ડ્યુટી પણ વધારી દેવામાં આવી છે. FBR એ શહેબાઝ શરીફ કેબિનેટની મંજૂરી મેળવ્યા બાદ વૈધાનિક નિયમનકારી આદેશ (SRO) જારી કર્યો હતો. IMFની શરતો બાદ 115 અબજ રૂપિયાનો ટેક્સ વસૂલવા માટે આ વધારાના વેરા લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મોંઘી વસ્તુઓ પર 25 ટકા GST મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ તેને સંસદમાં ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 દ્વારા રજૂ કરવામાં આવશે.

FBR એ તમામ આયાતી લક્ઝરી સામાન પર ટેક્સના દરમાં વધારો કર્યો છે, જેના પર વાણિજ્ય મંત્રાલયે થોડા સમય પહેલા પ્રતિબંધ મૂક્યો હતો. પાકિસ્તાનમાં બનેલી કેટલીક લક્ઝરી સામાન પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. શેહબાઝ શરીફની સરકારે જનતા પર રૂ. 115 અબજનો ટેક્સ વસૂલ્યો હોવા છતાં IMF સાથેના સોદામાં વિલંબ થઈ શકે છે.

ફિચે જણાવ્યું હતું કે પાકિસ્તાનની લાંબા ગાળાની ફોરેન-કરન્સી ઇશ્યુઅર ડિફોલ્ટ રેટિંગ (IDR) ને CCC+ થી CCC-માં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાને કારણે રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. એજન્સીની રેટિંગ એક્શન કોમેન્ટ્રી અનુસાર, તેઓને આશા છે કે પાકિસ્તાન IMF સાથેના સોદામાં સફળ રહેશે. પરંતુ રેટિંગ ડાઉનગ્રેડ દર્શાવે છે કે પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી નહીં થાય.