Site icon Revoi.in

સંકલ્પ દિવસે પીઓકેને ભારતમાં સામેલ કરવા માટે સંકલ્પ કરવાની સાથે મંથન કરવુ જરુરી

Social Share

અમદાવાદઃ પીઓકે ઉપર પાકિસ્તાને વર્ષ 1947થી ગેરકાયદે કબજો કર્યો છે, છેલ્લા કેટલાક વર્ષોથી પીઓકેની જનતા ઉપર સરકાર અને આર્મીએ અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન પીઓકેની જમીનનો આતંકવાદી પ્રવૃતિનો ઉપયોગ કરી રહી છે. અનેક અત્યાચારોથી ત્રાસી ગયેલી પીઓકેની જનતા હવે ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યું છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર ભારતનો અંગ છે અને રહેશે, જેથી પીઓકેને ભારતમાં જોડવાનો સમય આવી ગયો છે, તા. 22મી ફેબ્રુઆરીના સંકલ્પ દિવસે દેશની જનતાએ પીઓકે અંગે મંથન કરવું જોઈએ અને પીઓકેને ભારત સાથે જોડવાનો તમામ દેશવાસીઓએ સંકલ્પ જેવો જોઈએ.

અમદાવાદ સ્થિત જમ્મુ-કાશ્મીર અધ્યન કેન્દ્રના જણાવ્યા અનુસાર અંગ્રેજોની ગુલામી પછી મળેલી સ્વતંત્રતા સમયે જમ્મુ અને કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હતું. 22, ઓક્ટોબર 1947ના રોજ આદિવાસીઓના વેશમાં રહેલા પાકિસ્તાની લશ્કરે હુમલો કર્યો, ત્યારે ભારતીય નેતૃત્વની કસોટી થઇ, મહારાજા હરીસિંહે તત્કાલ ભારતમાં જોડાવાનો નિર્ણય કર્યો. જો કે, 1947માં દેશના વિભાજન પછી જમ્મુ અને કાશ્મીરને ગેરકાયદેસર રીતે હડપ કરવાની પાકિસ્તાનના નાપાક ષડયંત્રને વડા પ્રધાન નેહરુના આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાના અવિચારી પગલાથી પ્રોત્સાહન મળ્યું હતું. જેના પરિણામે પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન અને શાક્સગામ ખીણ સહિત ભારતના 90,000 કિલોમીટરથી વધુ વિસ્તાર પર કબજો કર્યો.

તેમાંથી 1963માં પાકિસ્તાને લગભગ 5 હજાર ચોરસ કિલોમીટરની શાક્સગામ ખીણ ચીનને ભેટમાં આપી હતી. જેના પર તેણે ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. 1965 અને 1971ના યુદ્ધોમાં આપણા બહાદુર સૈનિકો યુદ્ધના મેદાનમાં પાકિસ્તાન સામે લડ્યા અને યુદ્ધ જીત્યા હોવા છતાં, સંધિઓ અને વાટાઘાટો અને રાજકીય ઈચ્છા શક્તિના અભાવને કારણે ભારત પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળની પોતાની ભૂમિ પર પુનઃ અધિકાર ન કરી શક્યું.

આ પૃષ્ઠભૂમિમાં, 22 ફેબ્રુઆરી, 1994 ના રોજ પાકિસ્તાની  કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પ્રદેશો પર પુનઃ અધિકાર ઉભો કરવા સંસદના બંને ગૃહો દ્વારા સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવમાં અનેક બાબતો જાહેર કરવામાં આવી હતી.

સંસદના બંને ગૃહો દ્વારા 22 ફેબ્રુઆરી, 1994ના રોજ સર્વસંમતિથી ઠરાવ સ્વીકારવામાં આવ્યો હતો. આ ઠરાવ પાકિસ્તાનના આતંકવાદી પ્રવૃતિને પોષવાના તમામ પ્રયત્નોને વખોડે છે, તેમજ પાકિસ્તાનના કબજા હેઠળના ભારતીય ભુભાગને પોતાની સંપ્રભુતા હેઠળ પુનઃ સમાવવાનો ઉલ્લેખ પણ કરે છે. વારંવારના આતંકી પ્રયત્નો વૈશ્વિક રીતે દરેક દેશને શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાથી દૂર ધકેલવાના પ્રયાસો છે.

તેથી 22 ફેબ્રુઆરી ને “સંકલ્પ દિવસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણાયક પગલા પછી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો મુદ્દો ફરી સામે આવ્યો, જે અડધી સદીથી વધુ સમયની માંગ છે. આજે આપણે સમયની પાછળ જઈને ઘડિયાળ ઉલટાવી શકતા નથી, જો યહૂદીઓ હજાર વર્ષના દેશનિકાલ પછી હોમલેન્ડ ઇઝરાયેલ મેળવી શકે, જો બર્લિનની દિવાલ તોડી શકાય અને પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થઈ શકે. તો જમ્મુ કાશ્મીરને પણ તેના મૂળ ગૌરવમાં પુનઃસ્થાપિત કરી શકાય છે.

  1. ગિલગિટ, બાલ્ટિસ્તાન મીરપુર, કોટલી અને મુજફરાબાદને ફરીથી જોડવા માટે કેટલાક નક્કર પ્રયાસોની જરૂર પડશે, રાષ્ટ્ર દ્વારા 1994નો ઠરાવ એક સારી શરૂઆત હોવા છતાં, માત્ર ઠરાવ પૂરતું નથી. કારણ કે વર્ષોથી સંપર્ક વિહોણા પ્રદેશને જાણવાની સૌ પ્રથમ જરૂર છે.
  2. સૌ પ્રથમ રાષ્ટ્રને જાણવાની જરૂર છે કે J&K રાજ્યના 1,20,747 ચો. KM ભૂભાગ પર દુશ્મનનો કબજો છે. રાજ્યની ભૂગોળ અને મૂળ સીમાઓ પ્રકાશિત કરવાની જરૂર છે.
  3. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના વિસ્થાપિત 12 લાખ લોકો હાલ જમ્મુ અને કાશ્મીરમાં અને અન્ય રાજ્યો કે પ્રદેશોમાં વસે છે. તેઓ મુજફરાબાદ,  મીરપુર,  કોટલી ભીમ્બર, દેવા બટાલા અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી આદિવાસી હુમલા પછી સ્થળાંતર થયા હતા.
  4. પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેતા લોકો તેમના લોકતાંત્રિક અધિકારોથી વંચિત છે. POJK રૂલ્સ ઓફ બિઝનેસ દ્વારા શાસિત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી. પ્રેસની સ્વતંત્રતા નથી, ગિલગિટ બાલ્ટિસ્તાનની વસ્તીનું પ્રમાણ બદલવા માટે પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાંથી લોકોને ત્યાં વસાવવાના પ્રયત્નો થયા છે.
  5. તેમજ ગિલગિટ બાલ્ટિસ્તાનની મૂળ વસ્તી જૂથોના માનવ અધિકારોને સમર્થન આપવાની જરૂર છે. 

આવા તો કેટલાય પ્રશ્નો કે બાબતોને જાણવાની અને તેના વિશે પુરતી માહિતી મેળવી નિર્ણય લેવાની જરૂર છે.