Site icon Revoi.in

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે, પડતર કિંમત પણ ન ઉપજતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયાં

Social Share

ભાવનગર : ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા વિસ્તારમાં ડુંગળીનો સારોએવો પાક થાય છે. આ વર્ષે સારા ભાવ મળશે તેવી આશાએ ખેડુતોએ ડુંગળીનું સારૂએવું વાવેતર કર્યું હતું. હવે ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે,ત્યારે ડુંગળીના ભાવ તળીયે બેસી જતા ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે. 250 થી 300 રૂપિયે પડતર થતી ખેડૂતોની ડુંગળી 60 થી 70 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. જેથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે સરકાર દ્વારા ડુંગળીના યોગ્ય પોષણક્ષમ ભાવ નક્કી કરવા અને ખેડૂતો ને વળતર ની યોગ્ય રકમ ચૂકવવા માંગ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભાવનગર જિલ્લામાં રાજ્યની સરેરાશ 33 ટકાથી વધુ ડુંગળીના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ના મળતા હોવાના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ચાલુ વર્ષે શિયાળુ અને ઉનાળુ એમ બંને સીઝનમાં ખેડૂતોએ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ ખેતરોમાં પાક તૈયાર થયા બાદ ખેડૂતો ભાવનગર જિલ્લાના મુખ્ય બે યાર્ડ જેમાં એક ભાવનગર અને બીજું મહુવા માર્કેટ યાર્ડ ખાતે વેચવા માટે લાવતા હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં અગાઉ સીઝનના પ્રારંભે જ્યારે 10 થી 20 હજાર ગુણી ડુંગળીની આવક હતી ત્યારે ખેડૂતો ને ડુંગળીના ખૂબ 500  થી 550  સુધીના ભાવો મળી રહ્યા હતા, પરંતુ જેમ જેમ આવક વધતી ગઈ તેમ તેમ ડુંગળીના ભાવો ઘટતા ગયા. હાલ બંને યાર્ડમાં સરેરાશ 80 હજારથી વધુ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. ત્યારે આવકનો વધારો થતાં ડુંગળીએ ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. હાલ બંને યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. યાર્ડમાં 500 થી 550 રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ રહેલી ડુંગળી હાલમાં 60 થી 70 રૂપિયા પ્રતિમણ વેચાઈ રહી છે. ડુંગળીના ભાવો એકાએક નીચે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે જે ડુંગળી 250 થી 300 રૂપિયા ઘરમાં પડતર છે એ ડુંગળી માટીના ભાવે વેચાઇ રહી છે. ત્યારે ડુંગળીના યોગ્ય ભાવ આપવા સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, ખેડૂતોએ સીઝનના પ્રારંભે જ્યારે ડુંગળીનું વાવેતર કર્યું હતું. એ સમયે બિયારણ ખૂબ મોંઘું હતું. ખેડૂતોએ 3000  હજારથી 3500  રૂપિયાના મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું. જેમાં ખાતર, દવાઓનો છંટકાવ, માવજત, મજૂરી અને વેચાણ માટે યાર્ડ સુધી પહોંચાડવાનું ભાડું સહિતની ગણતરી કરતા ખેડૂતોને 250 થી 300  રૂપિયા પ્રતિમણના ભાવે ડુંગળી ઘરમાં પડે છે, પરંતુ જ્યારે ડુંગળીનું વેચાણ થાય છે ત્યારે ખેડૂતોને ખર્ચની સામે પોષણક્ષમ ભાવ મળતા નથી, ત્યારે સરકારે બીજી જણસી ની જેમ ડુંગળીમાં પણ યોગ્ય ભાવ મળી રહે તેવું આયોજન કરવું જોઈએ.