Site icon Revoi.in

વિપક્ષમાં સમાન નાગરિક સંહિતા મુદ્દે ભાગલાઃ AAP બાદ શિવસેનાનું સમર્થન, NCPનો વિરોધનો ઈન્કાર

Social Share

નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોએ એક છત નીચે એકત્ર થઈ રહ્યાં છે અને ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો છે, જો કે, વિપક્ષી પક્ષોમાં પહેલાથી જ કેટલાક મુદ્દાઓને લઈને અંદર અંદર નારાજગી સામે આવી છે, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, આ મામલો હજુ શાંત પડ્યો નથી, ત્યાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) મામલે પીએમ મોદીના નિવેદન બાદ દેશમાં હાલ સમાન નાગરિક સંહિતા ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં વિપક્ષી પક્ષોમાં પણ સમાન નાગરિક સંહિતા મામલે અલગ-અલગ મત સામે આવી રહ્યાં છે. મોટાભાગના વિપક્ષી પક્ષીઓ યુસીસીનો વિરોધ કરી રહ્યાં છે, જ્યારે વિપક્ષના જ કેટલાક પક્ષોનો કંઈલ અલગ મત જ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યાં બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ સમર્થન જાહેર કર્યું છે. જ્યારે શરદ પવારના અધ્યક્ષતાવાળી એનસીપીએ આ મામલે ન્યૂટ્રલ રહેવાનો માર્ગ અપનાવ્યો છે. એનસીપી યુસીસીને સમર્થન નહીં કરવાની સાથે તેનો વિરોધ પણ નહીં કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ હવે વિપક્ષ પણ યુસીસી મામલે બે ભાગમાં વહેંચાતુ હોય તેમ લાગી રહ્યું છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, અમે સમાન નાગરિક સંહિતાને સૈદ્ધાંતિક સમર્થન આપીએ છીએ, આર્ટીકલ 44 પણ કહે છે કે યુસીસી હોવુ જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટી માને છે કે આ મુદ્દા ઉપર તમામ ધર્મ અને રાજકીય આગેવાનો સાથે ચર્ચા થઈ જોઈએ, તમામની સહમતી બાદ જ તેને લાગુ કરવો જોઈએ. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ સમર્થન આપ્યું છે તેમજ કહ્યું છે કે, અમે સમાન નાગરિક સંહિતાને સમર્થન આપીએ છીએ, પરંતુ જે લોકો એમ માને છે કે, આનાથી માત્ર મુસ્લિમોને જ અસર થશે, તેવુ નથી હિન્દુઓને પણ અસર થશે, એટલું જ નહીં કેટલાક સવાલો પણ ઉભા થશે. એનસીપીના રાષ્ટ્રીય સચિવ નસીમ સિદ્દીકીએ કહ્યું કે, યુસીસીનો તાત્કાલિક વિરોધ કરવો યોગ્ય નથી, આ મુદ્દે વ્યપાક ચર્ચા જરુરી છે. દુનિયાના અનેક દેશોમાં આવા કાનૂન છે, જેમાં મહિલાઓને સમાન અધિકાર જેવા મુદ્દા સામેલ છે, એટલે તેનો વિરોધ યોગ્ય નથી. એનસીપીએ કહ્યું કે, અમે લો કમીશનને અમારી ભલામણ મોકલી શું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં સમાન નાગરિક સંહિતાની જરુરીયાત અંતે ઉલ્લેખ કર્યો હતો. જેથી હાલ દેશમાં સમાન નાગરિક સંહિતા ચર્ચાનો વિષય બન્યો છે, તેમજ લોકો પણ આ કાયદાના ફાયદાઓ અને ગેરફાયદાઓ અંગે ચર્ચાઓ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપ વિરોધી પક્ષોએ આ મુદ્દે કાગારોડ મચાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આમ આદમી પાર્ટી બાદ શિવસેના અને એનસીપીનો મત વિપક્ષી પાર્ટીઓથી અલગ હોવાનું સામે આવ્યું છે. હવે આગામી દિવસોમાં આ મામલે શું નવા રાજકીય સમીકરણ રચાય છે તે જોવુ રહ્યું.