- Indus Seals Deciphered અર્થાત સિંધુ સંસ્કૃતિની મુદ્રાઓ આપણને શું સંદેશ આપે છે?
[અલકેશ પટેલ] અમદાવાદ, 29 એપ્રિલ, 2026
આપણી સભ્યતા પાંચ કે સાત હજાર વર્ષ જૂની છે એવું અત્યાર સુધી કહેવામાં આવી રહ્યું છે પરંતુ રુપા ભાટીએ જે સંશોધનાત્મક પુસ્તક Indus Seals Deciphered લખ્યું છે તેમાં તેમણે પ્રસ્થાપિત કર્યું છે કે, ભારતીય સભ્યતા બે લાખ વર્ષ કરતાં પણ વધુ જૂની છે, જેનું અનુસંધાન આપણને 5000 વર્ષ પહેલાની મેસોપોટેમિયામાં મળેલી મુદ્રાઓ દ્વારા મળે છે. એટલું જ નહીં પરંતુ એ સમયે પણ ભારતીય દુનિયાના વિવિધ દેશોમાં પહોંચ્યા હતા. વિવિધ દેશો સાથે વેપાર કરતા હતા અને દરિયાઈ વેપારની મહારત માત્ર આપણને હાંસલ હતી. તેમણે લાખો વર્ષ જૂની મહોરો-મુદ્રાઓની લીપી ઉકેલીને લાખો વર્ષ જૂની ભારતીય સભ્યાતનો એક ક્રમબદ્ધ ચિતાર તેમના આ પુસ્તકમાં રજૂ કર્યો છે.
આ પણ વાંચોઃ ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ
આ પુસ્તક સિંધુ લિપિ (Indus script) વિશે એક નક્કર અને ખાતરી કરી શકાય તેવી પ્રાચીન ગાથા આપણી સમક્ષ ઉઘાડે છે. લેખકે શોધી કાઢ્યું છે કે, મુદ્રાઓ ઉપર એવાં સ્થળ, વ્યક્તિઓ, ચીજવસ્તુઓ અને સંસ્થાઓનાં નામની નોંધ મળે છે જે હડપ્પીય-મેસોપોટેમિયન દરિયાઈ અને જમીની વ્યાપાર જગતમાં કાર્યરત હતા. વળી, આ નામોના એક ચોક્કસ સમૂહને સુમેરિયન અને અક્કાડિયન સ્થળનામો (topo-nyms) તથા રાજવી નામાવલી (royal onomastics) સાથે વ્યવસ્થિત રીતે જોડી શકાય છે. અર્થાત લાખો વર્ષ પહેલાં ભારતમાં જે નામો પ્રચલિત હતાં એ જ નામો દરિયાપારના વિવિધ દેશોમાં અલગ અલગ સ્વરૂપે મળી આવે છે.
શું છે પુસ્તકનો મુખ્ય વિષય?
લગભગ 350 પાનાના આ અંગ્રેજી પુસ્તકમાં રુપાબેન 13 પ્રકરણમાં આપણને આપણી લાખો વર્ષ જૂની સભ્યતા સાથે જોડે છે. પ્રથમ પ્રકરણમાં સિંધુ સંસ્કૃતિ વિશેની એક સર્વગ્રાહી સમજ આપવા સાથે તેઓ તે સમયની ભાષા, દરિયાઈ વેપાર, સુમેરિયન તથા મેસોપોટેમિયન સભ્યતાઓ સાથેનું તેનું જોડાણ, તમિળનાડુ, હિમાલય ક્ષેત્ર અને મેસોપોટેમિયા વચ્ચેનું સંધાન વગેરેની ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડે છે. ત્યાંથી શરૂ કરીને ત્યારપછીનાં 13 પ્રકરણ સુધી તેઓ મુદ્રાઓની ભાષા ઉકેલીને તેના દ્વારા પ્રાચીન સમયમાં દરિયાપારના દેશો સાથેનો ભારતીયોનો સંબંધ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે તે સચોટ ઉદાહરણો સાથે જણાવે છે. તેઓ એટલેથી નથી અટકતાં, પરંતુ પ્રાચીન કાળમાં સુમેરિયન ભાષામાં આપણા ભારતીય સભ્યતા-સંસ્કૃતિના શબ્દોનો કેવી રીતે અને ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તે પણ દર્શાવે છે. અંતમાં તેઓ આપણી સભ્યતા લાખો વર્ષ જૂની છે તે પ્રસ્થાપિત કરવા હિંમતપૂર્વક એવી ધારણાઓ રજૂ કરે છે જેને અન્ય સંશોધકો અથવા ભવિષ્યના સંશોધકો આગળ વધારી શકે.
જોકે, એક વાત અહીં નોંધવી જોઈએ. લેખક રૂપાબેન તેમની પ્રસ્તાવનાને અંતે લખે છે કે, “આ કોઈ અંતિમ નિવેદન નથી પરંતુ એક ખુલ્લું આમંત્રણ છે.” તેઓ તેમના આ સંશોધનને ચકાસવા માટે, સુધારવા માટે તથા જ્યાં જરૂર હોય ત્યાં તેને ઉલટાવવા માટે અન્ય વિદ્વાનો, સંશોધકોને નિમંત્રણ આપે છે. તેઓ ઈચ્છે છે કે મુદ્રાઓને ફરીથી વાંચવામાં તથા ભારતીય ઉપખંડ અને પશ્ચિમ એશિયા વચ્ચે પ્રાચીન સમયથી નિરંતર ચાલતા રહેલા સંવાદના આ દસ્તાવેજો તરીકે તેની ચકાસણી કરવામાં આવે.
પુસ્તકનું નામઃ Indus Seals Deciphered: Following the Trails of a Bronze Age Civilization
લેખકઃ રુપા ભાટી (RUPA BHATY)
પ્રકાશકઃ Saraswatam Publication
કિંમતઃ મૂળ કિંમત રૂ. 2,100. એમેઝોન ઉપર ઉપલબ્ધ રૂ. 1,999. પ્રકાશક પાસે મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ રૂ. 1,550
પાનાં: 346

