Site icon Revoi.in

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

Social Share

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ લતા મંગેશકરને લઈને શોક સંદેશ વાંચ્યો હતો.

એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની કાર ઉપર થયેલા ફાયરિંગને લઈને રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતો. તેમના આવાગમનને લઈને કોઈ સૂચના જિલ્લા નિયંત્રણ કક્ષને પહેલા મોકલવામાં આવી ન હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને કાર જપ્ત કરવામાં આવી હતી. ફોરેન્સિક ટીમ કાર અને ઘટના સ્થળની તપાસ કરી રહી છે. હુમલાની ઘટના બાદ તેઓ સુરક્ષિત દિલ્હી ગયા હતા. દરમિયાન કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ મુદ્દે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઝીરો અવરમાં નોટિસ આપી હતી.

રાજ્યસભામાં લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપતા વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, લતા મંગેશકરના નિધનથી દેશએ ભારતીય સંગીત અને ફિલ્મ ઉદ્યોગે દુનિયાના એક મહાન પાર્શ્વ ગાયિકા, એક દયાળુ વ્યક્તિ અને મહાન વ્યક્તિત્વ ગુમાવ્યાં છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે અને સંગીતની દુનિયામાં અપૂરણીય શૂન્ય ઉભુ થયું છે.