Site icon Revoi.in

પાકિસ્તાનઃ શરીફ સરકાર પ્રજાની સાથે સૈન્ય જવાનોને પણ પુરતુ ભોજન પુરુ પાડવામાં અસમર્થ

Social Share

નવી દિલ્હીઃ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનની પ્રજાને પુરતુ ભોજન મળતુ નથી, સરકાર પ્રજાને તો ઠીક પણ સરહદની સુરક્ષા કરનારા જવાનોને પણ પુરતુ ભોજન આપવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના ટોચના કમાન્ડરોએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને સુરક્ષા સ્થિતિ વિશે જાણકારી આપી હતી અને ખાદ્ય પુરવઠાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તહરીક-એ-તાલિબાન (TTP)ની વધતી સક્રિયતાને કારણે પાકિસ્તાનની સેના અને તેના અર્ધલશ્કરી દળો પહેલેથી જ ઓપરેશનમાં લાગેલા છે.

સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વધતી મોંઘવારીને કારણે સૈનિકોના મેસમાં સપ્લાય પર પણ અસર પડી છે. આ સંબંધમાં ફિલ્ડ કમાન્ડરોએ રાવલપિંડીમાં ક્વાર્ટરમાસ્ટર જનરલના કાર્યાલયને કેટલાક પત્રો પણ મોકલ્યા છે, જેમાં ખાદ્ય સંકટ સાથે જોડાયેલી બાબતો કહેવામાં આવી છે. અહીં, ક્યુએમજીએ ચીફ ઓફ લોજિસ્ટિક્સ સ્ટાફ (સીએલએસ) અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) સાથે પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે વધતી જતી મોંઘવારી અને વિશેષ ભંડોળમાં કાપ વચ્ચે, સેના તેના સૈનિકોને ‘બે ટાઈમ માટે યોગ્ય રીતે’ ખવડાવવાની સ્થિતિમાં નથી. ડીજી મિલિટરી ઓપરેશન્સે જણાવ્યું હતું કે, સેના “લોજિસ્ટિક્સ અને પુરવઠામાં વધુ કાપ મૂકવાની સ્થિતિમાં નથી” જે ચાલુ કામગીરીને અટકાવી શકે. તેમણે કહ્યું કે, સૈનિકોને વધુ ખોરાક અને વિશેષ ભંડોળની જરૂર છે.

આર્મી ચીફ મુનીરે ક્યુએમજી, સીએલએસ અને ડીજી એમઓને નિર્દેશ આપ્યો છે કે તે સુનિશ્ચિત કરે કે સંરક્ષણ મંત્રાલય તરફથી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવે. પાકિસ્તાન દર વર્ષે સરેરાશ 13,400 ડોલર પ્રતિ સૈનિક ખર્ચ કરે છે. પાકિસ્તાન પહેલાથી જ સરકારી કર્મચારીઓનો પગાર ઘટાડવા, વિદેશી મિશન ઘટાડવા સહિત ઘણા પગલાં લેવાનું વિચારી રહ્યું છે. દરમિયાન, દેશ TTPની સતત વધતી સક્રિયતાને કારણે મુશ્કેલ બનેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.