Site icon Revoi.in

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ મારા માટે પણ એક પરીક્ષા સમાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Social Share

 

નવી દિલ્હી: વિદ્યાર્થીઓને ભારતના ભવિષ્યના ઘડવૈયા ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ મારા માટે પણ એક પરીક્ષા સમાન છે. રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે નવનિર્મિત ભારત મંડપના ટાઉન હોલમાં ‘પરીક્ષા પે ચર્ચા’ની સાતમી આવૃત્તિમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે વડાપ્રધાને કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ નવીન બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને લઈને પરીક્ષાને લઈને મંત્ર આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, “આપણા વિદ્યાર્થીઓ આપણું ભવિષ્ય ઘડશે.” છેલ્લા છ વર્ષથી શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’માં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. ચોથી આવૃત્તિ કોરોના રોગચાળાને કારણે ઓનલાઈન યોજાઈ હતી જ્યારે પાંચમી અને છઠ્ઠી આવૃત્તિ ટાઉન-હોલ ફોર્મેટમાં યોજાઈ હતી. ગયા વર્ષની આવૃત્તિમાં કુલ 31.24 લાખ વિદ્યાર્થીઓ, 5.60 લાખ શિક્ષકો અને 1.95 લાખ વાલીઓએ ભાગ લીધો હતો.

આ વર્ષે, ‘માય ગવર્મેન્ટ પોર્ટલ’ પર લગભગ 2.26 કરોડ નોંધણી કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ માટે વ્યાપક ઉત્સાહ દર્શાવે છે. આ વર્ષનો કાર્યક્રમ ભારત મંડપમ ખાતે ટાઉન-હોલ ફોર્મેટમાં યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ભારત મંડપમાં એ જ સ્થાને જ્યાં વિશ્વના મહાન નેતાઓએ ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી, આજે આપણે પરીક્ષાની ચિંતાઓ સાથે ભારતના ભવિષ્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કલા ઉત્સવના વિજેતાઓ સાથે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને આમંત્રિત કરવામાં આવ્યા છે.