Site icon Revoi.in

ખોડલધામના નરેશ પટેલ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પાટીદારોના મતોનું સારૂએવું પ્રભુત્વ છે. ત્યારે પાટીદારોની ધાર્મિક સંખ્યાના અગ્રણીને રાજકીય પક્ષોના પાટીદાર નેતાઓ મળી રહ્યા છે.  રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલ સક્રિય રાજકારણમાં જોડાય કે નહીં પણ નરેશભાઈ 2017ની ભૂમિકા જાળવી રાખશે તો પણ ગુજરાત કોંગ્રેસને ઘણો ફાયદો થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ પાટીદાર આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંકલન સમિતિના પ્રમુખ સહિત 25 આગેવાનોએ પાટીદાર સમાજના મોભી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેનો મુખ્ય હેતુ હતો કે, અમે હાલ પીડા ભોગવી રહ્યા છીએ. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી સ્વાભાવિક કોંગ્રેસના લોકોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કથળી હોય તે માટે કામ કરવા ઇચ્છતા હોવા છતાં કામ કરી શકતા નથી. આવા સમયે અમે અમારા સમાજના મોભી નરેશ પટેલ પાસે આગામી ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન મેળવ્યું છે. જેમાં સકારાત્મક અભિગમ સાથે તેમણે અમને ઊર્જા આપી છે.

સૌરાષ્ટ્રના પાટિદાર સમાજમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સારૂએવું વર્ચસ્વ ધરાવે છે, લોકસભા ચૂંટણી 2019 પહેલાં 2018ના ઓગસ્ટમાં ઉપવાસ આંદોલન કરી રહેલા તે વખતના પાસના નેતા  હાર્દિક પટેલને પારણાં કરાવવા માટે નરેશ પટેલ અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ 2019ની લોકસભા ચૂંટણી જાહેર થતાં જ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે બાદમાં નરેશ પટેલના પુત્ર શિવરાજને કોંગ્રેસમાં ચૂંટણી લડાવવાની તૈયારીઓ થઈ હતી તેમજ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ સાથે બેઠકો પણ યોજી હતી, જોકે બાદમાં શિવરાજ પટેલ ચૂંટણી મેદાનમાં ઊતર્યા નહોતા.

અત્રે નોંધનીય છે કે, આ રાજકીય સમીકરણને આધારે આજની બેઠકમાં આગામી ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસ દ્વારા શું કામગીરી કરવાની જરૂર છે તે અંગેનું નરેશ પટેલ પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. અને એ મુજબ હવેથી પરિવર્તન લાવવાની ખાતરી આપવામાં આવી છે.