Site icon Revoi.in

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

Social Share

નવી દિલ્હીઃ રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે તબાહી મચાવી રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. હવે ભારતમાં પણ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો અને ભારતીય વિદ્યાર્થીઓને વહેલી તકે બહાર કાઢવાની માંગ કરાઈ છે. આ અરજીનો જવાબ આપતાં CJI એન.વી.રમનાએ કહ્યું કે, અમને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ છે પરંતુ કોર્ટ આમાં કંઈ કરી શકે તેમ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે પુતિનને યુદ્ધ રોકવાનો આદેશ નથી આપી શકતા. આ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી. સરકાર યોગ્ય પગલા ભરી રહ્યાં છે, અમે એર્ટની જનરલને સમગ્ર મામલે અંગે માહિતી લેવામાં આવી છે.

અરજદારના વકીલે જણાવ્યું કે અરજદાર યુક્રેનમાં મેડિકલ સ્ટુડન્ટ છે. જ્યાં 250 વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને રોમાનિયા બોર્ડર પરથી બહાર કાઢવામાં આવી રહ્યા નથી. તેઓ યુક્રેન સરહદ પર અટવાયેલા છે અને તેમને રોમાનિયામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેના જવાબમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. એક મંત્રીને પણ રોમાનિયા મોકલવામાં આવ્યા છે. સરકાર બધું જ કરી રહી છે. આ વિદ્યાર્થીઓને પણ વહેલી તકે યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને ખાસ ફ્લાઈટમાં પરત લાવવામાં આવ્યાં છે.