નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, 2026 – PM Narendra Modi letter પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી કેટલી મહત્ત્વની બની રહેવાની છે તેનો અંદાજ આજની એક ઘટના પરથી આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એબાર બીજેપી સરકાર’, અમને સેવાની તક આપો… એવા નિવેદન સાથે પશ્ચિમ બંગાળની જનતાને પત્ર લખ્યો છે.
શું લખ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ એ પત્રમાં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક ખુલ્લો પત્ર જાહેર કરીને રાજ્યના વિકાસ, કાયદો અને વ્યવસ્થા તથા કલ્યાણકારી યોજનાઓના મુદ્દાઓ પર પોતાની વાત કરી છે. હિન્દી અને બંગાળીમાં લખેલા આ પત્રમાં વડાપ્રધાને કહ્યું કે, “મારા સોનાર બાંગ્લાનું સપનું જોનાર દરેક વ્યક્તિ પીડામાં છે.”
પત્રની શરૂઆત મા કાલીના જયઘોષ સાથે કરી હતી. તેમણે લખ્યું કે પશ્ચિમ બંગાળની ધરતીએ દેશને અનેક મહાન વિભૂતિઓ આપી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા 11 વર્ષોમાં કેન્દ્ર સરકારે જનકલ્યાણ અને સર્વાંગી વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
યુવાનોના રોજગાર માટે સ્થળાંતરનો મુદ્દો
વડાપ્રધાનને ત્યાંની જનતા સાથે રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે વાત કરી અને ભવિષ્યને લઈને મોટાં વચન આપ્યા છે અને કેટલાક દાવા કર્યા છે. તેમણે રાજ્યની જનતાને કહ્યું કે પશ્ચિમ બંગાળની આગામી ચૂંટણી પર રાજ્યની આગામી પેઢીનું ભવિષ્ય નિર્ભર રહેશે. તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની વાત કરી અને સાથે જ યાદ અપાવ્યું કે ક્યારેક બંગાળ ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર હતું, પરંતુ આજે ત્યાંની હાલત જર્જરિત છે, જેનું કારણ છેલ્લા છ દાયકાઓનું કુશાસન અને તુષ્ટિકરણની રાજનીતિ છે.
આ સાથે પીએમ મોદીએ એમ પણ લખ્યું કે રાજ્યના યુવાનો અન્ય રાજ્યોમાં રોજગાર માટે સ્થળાંતર કરવા મજબૂર છે અને માતા-બહેનો આજે બંગાળમાં સુરક્ષિત અનુભવતી નથી. તેમણે જણાવ્યું કે ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબ વર્ગ માટે ચલાવવામાં આવેલી યોજનાઓના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકારના અસહયોગ છતાં કેન્દ્રની અનેક યોજનાઓનો લાભ પશ્ચિમ બંગાળના લાખો લોકો સુધી પહોંચ્યો છે.
મહિલાઓની સુરક્ષા અને ગેરકાયદેસર ઘૂસણખોરીનો મુદ્દો
સમાજના દરેક વર્ગ સુધી અનેક યોજનાઓની અસર જમીન પર દેખાઈ રહી હોવાનું તેમણે લખ્યું. ઉદાહરણ તરીકે, ‘લક્ષ્મી ભંડાર’ યોજના દ્વારા કરોડો મહિલાઓને આર્થિક મદદ મળવાની વાત કહી. ઉજ્જવલા યોજના દ્વારા મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી અને ખેડૂતોને પ્રત્યક્ષ આર્થિક સહાય આપવામાં આવી. જન-ધન યોજના હેઠળ કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા. ‘સ્વચ્છતા અભિયાન’ હેઠળ લાખો શૌચાલય બનવા, નાના વેપારીઓને કરોડોની લોન મળવી અને વડીલોને પેન્શન મળવા જેવા આંકડા ગણાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે બંગાળને વિકસિત અને સમૃદ્ધ બનાવવાનો સંકલ્પ લીધો છે. ગેરકાયદેસર ઘૂસણખોરી અને મહિલાઓ પ્રત્યેની હિંસાથી રાજ્ય કલંકિત થયું છે. વોટ બેંકની સંકુચિત રાજનીતિ, હિંસા અને અરાજકતામાં રાજ્ય જકડાયેલું છે. નકલી મતદારો હાવી થઈ રહ્યા છે. બંગાળની પવિત્ર ધરતીને આ સમસ્યાઓથી મુક્ત કરવી જરૂરી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું કે હવે સમય પરિવર્તનનો છે, કારણ કે દેશના ઘણા રાજ્યોમાં જીવનધોરણ સુધર્યું છે અને તેવી જ પ્રગતિ બંગાળમાં પણ લાવી શકાય છે. મોદીએ લખ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરીથી મુક્ત થઈને સુશાસન પર ચાલવું પડશે અને આ પરિવર્તન અનિવાર્ય છે.
ઐતિહાસિક સંદર્ભ આપતા તેમણે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને રવીન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતા રાજ્યના વિકાસમાં તેમના દૃષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો.
2026 સુધી ‘વિકસિત પશ્ચિમ બંગાળ’ બનાવવાનો સંકલ્પ
વડાપ્રધાને કહ્યું કે આયુષ્માન ભારત જેવી યોજનાઓથી સ્વાસ્થ્ય સુરક્ષા, ગરીબો માટે આવાસ અને મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે નાગરિકતા સંશોધન કાયદા (CAA) દ્વારા શરણાર્થીઓને નાગરિકતા આપવાની વાત પણ દોહરાવી હતી.
પત્રના અંતે વડાપ્રધાને લોકોને અપીલ કરી કે તેઓ “વિકસિત પશ્ચિમ બંગાળ” ના નિર્માણ માટે આગળ આવે. તેમણે કહ્યું કે 2026 સુધીમાં રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

