Site icon Revoi.in

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

Social Share

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત કરીને લોકશાહીની સંસ્થાઓ પર હુમલો કર્યો હતો. પોલીસે દેખાવકારોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બ્રાઝિલ સરકારે કહ્યું છે કે તમામ દેખાવકારોની ઓળખ કરવામાં આવી રહી છે.

જેયર બોલ્સોનારોના હજારો સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે આક્રોશ વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ મહેલ સહિત સુપ્રીમ કોર્ટ અને સંસદ ભવન પર હુમલો કર્યો હતો. બોલ્સોનારોના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બોલ્સોનારો સમર્થકોએ બ્રાઝિલની લોકશાહી સંસ્થાઓની બહારના સુરક્ષા અવરોધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા. બોલ્સોનારોના હજારો સમર્થકો, પક્ષના લીલા-પીળા ધ્વજ સાથે, કેટલાક સમય માટે લોકશાહીનું પ્રતીક ગણાતી સંસ્થાઓ પર કબજો જમાવી રહ્યા હતા. એક અહેવાલ અનુસાર, બઝિલમાં આખી રાત પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ ચાલી હતી. બ્રાઝિલમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં બોલ્સોનારોને હારનો સામનો કરવો પડ્યો હતો. બોલ્સોનારોએ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાના નેતૃત્વમાં ડાબેરી પક્ષની જીતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં થોડા મહિના પહેલા જ ઈમરાન ખાન સરકાર પડી ભાગી હતી. આ ઉપરાંત શ્રીલંકા અને ઈરાક જેવા દેશોમાં રાજકીય સંકટ ઉભું થયું હતું. બ્રાઝિલમાં પણ રાજકીય સંકટ ઉભુ થતા પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી.