- અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા કારપુલ, જાહેર વાહન વ્યવસ્થા, સાઇકલ અને પગપાળા આવવાની પહેલને પ્રોત્સાહન
અમદાવાદ, 14 મે 2026: ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશને પર્યાવરણ સંરક્ષણ, ઇંધણ બચત અને ટ્રાફિક ઘટાડા માટે જાહેર વાહન વ્યવસ્થા તથા સહપ્રવાસ (કારપુલ) અપનાવવાની કરવામાં આવેલી વિનંતીને અનુસરી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પણ સકારાત્મક પહેલ કરવામાં આવી રહી છે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલ 295 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક અધ્યાપકો તથા સેવકોમાંથી આશરે 46 જેટલા અધ્યાપકો અને સેવકો કારપુલનો ઉપયોગ કરે છે. ઉપરાંત 22થી વધુ સેવકો જાહેર વાહન વ્યવસ્થા દ્વારા, 7 જેટલાં સેવકો પગપાળા તેમજ 2 સેવક EV વાહન અને કાર તથા ૩ સેવકો સાઇકલ દ્વારા વિદ્યાપીઠ ખાતે આવે છે.
વિદ્યાપીઠના 2000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પણ 130થી વધુ વિદ્યાર્થીઓ જાહેર વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે છે, જ્યારે 25થી વધુ વિદ્યાર્થીઓ પગપાળા આવી પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
આ અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી આજના સમયની આવશ્યકતા છે. ગૂજરાત વિદ્યાપીઠ પરિવાર દ્વારા કારપુલ, જાહેર વાહન વ્યવસ્થા, સાઇકલ અને પગપાળા આવવાની અપનાવવામાં આવેલી આ પહેલ માત્ર ઇંધણ બચત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં જવાબદાર નાગરિકત્વનો સકારાત્મક સંદેશ પણ પ્રસરાવે છે.”
આ પ્રકારની પહેલ દ્વારા પર્યાવરણ જાગૃતિ, ઇંધણ બચત અને સામાજિક જવાબદારી અંગે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે, જે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

