Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

Social Share

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું કે, વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા.5 થી 10 સપ્ટેમ્બર-2022 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. ત્યારે શ્રધ્ધાળુઓ માટે આ મેળો યાદગાર બની રહે તેવા સુંદર પ્રયાસો કરીએ.

પ્રવાસન સચિવએ જણાવ્યુ હતું કે, અંબાજીના મેળા દરમિયાન  માઇભક્તોને કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર તરફથી તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. ટ્રાફિક, પાર્કિગ, સાફ-સફાઇ અને સ્વચ્છતા વગેરે પર ભાર મુકવા સુચના આપવામાં આવી છે. મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને શુભકામનાઓ પાઠવી છે.

મીની મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે. બેઠકમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત વિવિધ સમિતિના અધિકારીઓ સહિત રાજ્યકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version