Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં અગાઉની સરકારોએ પ્રજા પાસેથી લૂંટીને અપરાધીઓ અને માફિયાઓને સોંપ્યું: PM મોદી

Social Share

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (એસપી) પર પરિવારવાદી હોવાનો અને માફિયા રાજને આશ્રય આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, જો પરિવારવાદીઓનું ચાલે તો તેઓ દરેક વિસ્તારમાં ‘માફિયાગંજ’ બનાવી દેત. મોદીએ સોમવારે વિધાનસભા ચૂંટણી દરમિયાન કાનપુરના ગ્રામ્ય વિસ્તારના અકબરપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરતા સપાનું નામ લીધા વિના સપા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ” આ લોકોનું ચાલે તો કાનપુર અને કાનપુરની જેમ સમગ્ર ઉત્તરપ્રદેશના દરેક શહેર-ગામમાં  માફિયાગંજની સ્થાપના થઈ હોય.”

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પહેલાની સરકારો ઉત્તરપ્રદેશમાં લોકો સાથે ન્યાય નથી કરી શકી. તે લોકોએ ઉત્તરપ્રદેશને લૂંટીને અહીંના અપરાધીઓ અને માફિયાઓને હવાલે કરી દેતા. વડાપ્રધાને સપા ગઠબંધનને તકવાદી ગઠબંધન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરેક વખતે આ લોકો ચૂંટણીમાં નવો પાર્ટનર લઈને આવે છે. નવા સાથીના ખભા પર બેસીને ચાલવાનો પ્રયાસ કરે છે. તેઓ દરેક ચૂંટણીમાં જે પાર્ટનરને લાવે છે, ચૂંટણી પછી હારનો દોષ તેના પર નાખીને તેને બહાર ધકેલી દે છે. તેમણે લોકોને પૂછ્યું કે જે સાથીઓ બદલાય છે, શું તેઓ ઉત્તર પ્રદેશને સાથ આપશે? મોદીએ કહ્યું કે જનતાએ 2014માં આ તકવાદી ગઠબંધનને હરાવ્યા, 2017માં અને ફરી એકવાર 2019માં હરાવ્યા અને હવે તેઓ 2022માં પણ હારી જશે.

ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે, આ વખતે ઉત્તર પ્રદેશમાં 10 દિવસ પહેલા રંગો વાલી હોળી ઉજવવામાં આવશે. 10 માર્ચે જ ચૂંટણી પરિણામો આવશે ત્યારે રંગોની હોળી ધૂમધામથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, કાનપુર અને બુંદેલખંડના 16 જિલ્લાઓમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ દરમિયાન કાનપુર, કાનપુર દેહત ઉપરાંત જાલૌનના વિવિધ વિધાનસભા ક્ષેત્રોના મતદારોએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી મોદીનું સંબોધન સાંભળ્યું.