Site icon Revoi.in

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર સબસિડી આપવામાં આવી રહી છે. જેના કારણે ઈલેટ્રીક વાહનો ખરીદવામાં મોટો ફાયદો છે. એટલે કે, જો તમે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેને 31 મે સુધીમાં ખરીદી લો.

ભારે ઉદ્યોગ મંત્રાલયે જાહેરાત કરી છે કે, સબસિડીની રકમ 15,000 રૂપિયા પ્રતિ કિલોવોટથી ઘટાડીને 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કરવામાં આવી છે. સબસિડીમાં ઘટાડો 1 જૂનથી લાગુ થશે. આ સંબંધમાં મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ઘટાડેલી સબસિડી 1 જૂનથી તમામ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર લાગુ થશે. આવા વાહનો માટે પ્રોત્સાહન મર્યાદા પહેલાથી જ 40 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવી છે.

સબસિડીમાં કાપને કારણે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકો માટે સમસ્યા વધી શકે છે. ભાવમાં વધારો વેચાણને અસર કરશે. પહેલેથી જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદકો કિંમતો પહેલાની જેમ જ રાખવા માટે સુવિધાઓમાં ઘટાડો કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, સબસિડીમાં ઘટાડો થવાને કારણે કંપનીઓ હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સમાં ત્રણ કિલોવોટની જગ્યાએ બે કિલોવોટની બેટરીનો ઉપયોગ કરશે. ઉપરાંત, તેમના લક્ષણો પણ કાપી શકાય છે.