Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પીએમ મોદી નવનિર્મિત રાજકોટમાં આટકોટ ખાતેની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે. ડી. પી.ની મુલાકાત લેશે. ત્યારબાદ સ્થળ પર જાહેર કાર્યક્રમમાં તેઓ સંબોધન કરશે. લગભગ બપોરે 4 કલાકે, વડાપ્રધાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ IFFCO, કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.

ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.