Site icon Revoi.in

પ્રિયંકા ગાંધીએ સમય માંગતા ગડકરીએ તરત જ ઓફિસ આવવા નિમંત્રણ આપ્યું

Social Share

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રમાં ચાલી રહેલા ભારે હંગામા અને ‘મનરેગા’ ના સ્થાને લાવવામાં આવેલા નવા બિલ ‘VB-G RAM G’ પરની ચર્ચા વચ્ચે ગુરુવારે લોકસભામાં એક સુખદ અને મૈત્રીપૂર્ણ દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે મુલાકાતનો સમય માંગ્યો હતો, જેના જવાબમાં ગડકરીએ તુરંત જ તેમને પોતાની ઓફિસમાં આવવા નિમંત્રણ આપ્યું હતું.

પ્રશ્નકાળ દરમિયાન પ્રિયંકા ગાંધીએ ચંદીગઢ-શિમલા રૂટ અને પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડના પ્રશ્નો અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે મંત્રીને સંબોધતા કહ્યું કે, “સર, હું મારા મતવિસ્તારના કામો માટે જૂન મહિનાથી તમારી પાસે મુલાકાતનો સમય માંગી રહી છું, પરંતુ હજુ સુધી સમય મળ્યો નથી. મહેરબાની કરીને મને મુલાકાત માટે થોડો સમય આપો.” પ્રિયંકા ગાંધીની આ વિનંતી પર નીતિન ગડકરીએ વ્યાવસાયિક અને હકારાત્મક પ્રતિસાદ આપતા કહ્યું, “તમારે કોઈપણ એપોઇન્ટમેન્ટની જરૂર નથી. અમારા દરવાજા હંમેશા બધા માટે ખુલ્લા છે. આ પ્રશ્નકાળ પૂરો થાય એટલે તરત જ તમે સંસદમાં આવેલી મારી ઓફિસમાં આવો, હું તમારી વાત સાંભળીશ.”

 

પ્રશ્નકાળ સમાપ્ત થતાની સાથે જ પ્રિયંકા ગાંધી નીતિન ગડકરીની ઓફિસ પહોંચ્યા હતા. આ મુલાકાત માત્ર કામકાજ પૂરતી સીમિત ન રહી, પરંતુ ગડકરીએ યજમાન ધર્મ નિભાવતા પ્રિયંકા ગાંધીને ખાસ ચોખામાંથી બનેલી વાનગી પણ ખવડાવી હતી. બંને નેતાઓ વચ્ચે અત્યંત હળવા વાતાવરણમાં વિકાસકામો અંગે ચર્ચા થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સત્રમાં મનરેગાનું નામ બદલીને ‘વિકસિત ભારત ગેરેંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G કરવાના બિલ પર વિપક્ષ ભારે વિરોધ કરી રહ્યો છે. આ ખેંચતાણ વચ્ચે ગડકરી અને પ્રિયંકા ગાંધીની આ મુલાકાતે રાજકીય વર્તુળોમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે.

Exit mobile version