Site icon Revoi.in

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સેવા-2ની જાહેર પરીક્ષા માટે માન્ય ગણવા રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને વર્ષો બાદ પણ બઢતી મળતી હોતી નથી. ઘણા શિક્ષકો ક્વોલીફાઈડ હોય છે. પીટીસી સાથે સ્નાતકનો કે અનુસ્નાતકનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હોય છે. છતાં શિક્ષણ વિભાગની ખાલી જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકતા નથી. આથી શિક્ષણ સેવા વર્ગ-2 અને રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને માન્ય ગણવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાધાણીને પણ રજુઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ સેવા વર્ગ-2 અને રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા માટે પ્રાથમિક શિક્ષકોને માન્ય ગણવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. શિક્ષકોની પાસે નોકરીનો અનુભવ હોવાથી આ પરીક્ષા માટે માન્ય ગણવાની માંગણી સાથે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે અલગ અલગ કેડરી ભરતી કરવામાં આવે છે. તેમાં અમુક કેડરમાં શિક્ષકોને અનુભવના આધારે પરીક્ષા માટે માન્ય ગણવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષકોનો તેમાં સમાવેશ નહી કરતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યના પ્રાથમિક શિક્ષકોને  શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છૂટ આપવી જોઈએ. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સેવા વર્ગ-2ની પરીક્ષા આપવાથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બની શકે છે.જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ સેવા વર્ગ-3ની પરીક્ષા પાસ કરવાથી જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તર અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક સહિતની અલગ અલગ કેડરમાં ભરતી થઇ શકે છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતીની પરીક્ષા માટે બીએડ પાસની સાથે નિયત કરેલો શૈક્ષણિક અનુભવવાળા શિક્ષકોને જ માન્યતા આપી છે. આથી ભરતીની પરીક્ષામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોનો જ સમાવેશ થાય છે. જ્યારે પ્રાથમિક શિક્ષકોને તેનો લાભ નહી મળવાથી શિક્ષકોમાં રોષ ઉઠ્યો છે.

 

 

Exit mobile version