Site icon Revoi.in

ભગવંત માન સરકાર સામે તણાવ વચ્ચે પંજાબના ગવર્નરે આપ્યું રાજીનામું

Social Share

ચંદીગઢ: પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સાથે તણાવ વચ્ચે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામામાં તેમણે કહ્યુ છે કે કેટલાક અંગત કારણો અને પ્રતિબદ્ધતાઓને કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યુ છે કે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક પદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મહત્વપૂર્ણ છે કે પંજાબમાં ભગવંત માન સરકાર અને રાજ્યપાલની વચ્ચે ઘણાં મામલાઓને લઈને મતભેદ ચાલી રહ્યો હતો. રાજ્યપાલ વિરુદ્ધ માન સરકાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. બે દિવસ પહેલા પણ મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યપાલને નિશાને લીધા હતા અને કહ્યુ હતુ કે રાજ્ય અમને હેરાન કરે છે. રાજ્યમાં ચૂંટાયેલી સરકાર છે. અહીંયા ઈલેક્ટેડ રાજ્ય કરશે અથવા તો પછી સિલેક્ટેડ રાજ્ય કરશે. લોકશાહીમાં ઈલેક્ટેડ રાજ્ય ચાલે છે. પરંતુ ઘણાં લોકોએ સિલેક્ટેડ રાજની આદત નાખી છે. મહત્વપૂર્ણ છે કે ભગવંત માન ચંદીગઢના મેયરની ચૂંટણીને લઈને ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે વાતવાતમાં રાજ્યપાલ કહી દે છે કે આ કાયદેસર છે અને આ ગેરકાયદેસર છે. રાજ્યપાલ મમતા દીદીને બંગાળમાં અને અમને પંજાબમાં ખૂબ હેરાન કરે છે.

વિધાનસભામાં બિલોને પારીત કરવા છતાં રાજ્યપાલની મંજૂરી ન મળવાના મામલામાં ભગવંત માન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. તેના પછી રાજ્યપાલે ત્રણ બિલોને મંજૂરી પણ આપી હતી. ઘણીવાર રાજ્યપાલે ભગવંત માન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ વાત પણ કહી હતી.

જો કે ગણતંત્ર દિવસના પ્રસંગે બંનેની મુલાકાત થઈ હતી. રાજ્યપાલ સમક્ષ મુખ્યમંત્રી ભગવંત માને ગીત ગાયું અને રાજ્યપાલે પણ તેમના વખાણ કર્યા હતા.