Site icon Revoi.in

પંજાબ: ગુરુદ્વારામાં કોરોના સંક્રમિત વ્યક્તિએ કર્યું પ્રસાદનું વિતરણ, ભૂલના કારણે અનેક લોકો થયા સંક્રમિત

Social Share

અમૃતસર :પંજાબના સંગરુરથી બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. ગુરુદ્વારામાં એક કોરોના પોઝિટિવ વ્યક્તિએ સેંકડો લોકોને પ્રસાદ વહેંચ્યો, જેનાથી તેના સંક્રમણનું જોખમ વધ્યું છે. જે લોકોએ ગુરુદ્વારામાં પ્રસાદ લીધો,તેમાં બે મોટા નામ પણ સામેલ છે. તે દિવસે પંજાબના શિક્ષણમંત્રી વિજય સિંગલા અને સંગરુરના પૂર્વ ધારાસભ્ય પ્રકાશચંદ ગર્ગ પણ ગુરૂદ્વારામાં હાજર હતા અને તેમણે પ્રસાદ પણ લીધો હતો.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ દંગ રહી ગયા. શિક્ષણમંત્રીએ કહ્યું કે, સંક્રમણને અટકાવવા માટે તેમણે આરોગ્ય અધિકારીઓને ગામમાં કોવિડ પરીક્ષણ શિબિર સ્થાપવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, ગ્રંથી કોવિડ પોઝિટિવ હતો અને 31 મેના રોજ પરીક્ષણ માટે સેમ્પલ આપ્યા હતા, તેમણે ગામના ગુરુદ્વારામાં પ્રસાદનું વિતરણ કર્યું હતું.

કોરોના પોઝિટિવ શખ્સ જયારે ગુરુદ્વારામાં પ્રસાદનું વિતરણ કરતો હતો ત્યારે ઘણા લોકો ત્યાં હાજર હતા.ગ્રંથીએ 1 જૂને ગુરુદ્વારામાં પ્રસાદનું વિતરણ કર્યું હતું અને તેની પત્ની પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.

આ ઘટના બાદ ગામમાં 30 લોકોના કોરોના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા છે. તે દિવસે ગુરુદ્વારામાં કેટલા લોકો હાજર હતા તે અંગેની માહિતી હજી ઉપલબ્ધ નથી. પંજાબમાં કોરોના સંક્રમણના કુલ કેસોમાંથી 60 ટકા કેસ ગ્રામીણ વિસ્તારોમાંથી આવી રહ્યા છે. અહીં ગામોમાં મૃત્યુ દર શહેરી વિસ્તારો કરતા ત્રણ ગણા વધારે છે.