અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા બાદ મોરબીના નવલખી બંદર પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પડકાવવાના કેસમાં એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ તપાસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પાકિસ્તાનમાં બેઠાલા ડ્રગ્સ માફિયાઓ પહેલા રાજસ્થાન અને પંજાબ બોર્ડરનો ડ્રગ્સની ઘુસણખોરી માટે ઉપયોગ કરતા હતા. જો કે, આ બંને રાજ્યોની સરહદ સીલ થઈ જતા હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના દરિયા અને દરિયાકાંઠાનો ઉપયોગ કરી રહ્યાં છે.
એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલાએ જણાવ્યું હતું કે, કરોડોના હેરોઈન કેસમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. હેરોઈનની હેરાફેરી માટે મોટરાકારની પાછળની બાજુ એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું. પાકિસ્તાનથી આવેલો ડ્રગ્સનો જથ્થો પંજાબ મોકલાવવાનો હતો. ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ , સમસુદ્દીન હુસેનમિયા સૈયદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ઘણા મોટા ખુલાસા થયાં છે. ડ્રગ્સનો જથ્થો છુપાવવા માટે સમસુદ્દીન સૈયદને રૂ. પાંચ લાખ આપવાનું નક્કી થયું હતું. આરોપી સમસુદીનની પત્ની જોડિયા ગામની હોવાથી જબ્બારે તેને બહેન બનાવી હતી. જબ્બાર અને સમસુદ્દીન વચ્ચે સાત વર્ષની મિત્રતા હતી. સમસુદ્દીન હુસૈનમિયાં સૈયદને ડ્રગ્સનો જથ્થો સાચવવા આપ્યો હતો . તેથી આ સૂત્રધારના ડ્રગ્સ ઉપરાંત અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓ માટે પાકિસ્તાન સાથે નાતો છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચલાવી રહી છે. ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ડામવા માટે રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.