Site icon Revoi.in

મહેસાણા ટોલપ્લાઝા પાસેથી એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતના મહેસાણા ટોલ પ્લાઝા પાસેથી એનસીબીની ટીમે રૂ. એક કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં પોશ ડોડાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીએ અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાય શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડથી રાજસ્થાન થઈને ગુજરાતમાં એક ટ્રકમાં શંકાસ્પદ જથ્થો લાવવામાં  આવતો હોવાની ગુપ્તચર એજન્સીની માહિતીના આધારે એનસીબીની ટીમ ગુજરાત આવી હતી. તેમજ ટ્રકને ટ્રેક કરવાની કવાયત શરૂ કરી હતી. દરમિયાન મહેસાણાના ટોલપ્લાઝા પાસે શંકાના આધારે એક કન્ટેનર અટકાવ્યું હતું. કન્ટેનરની તપાસમાં અંદરથી એક-બે નહીં પરંતુ 206 જેટલી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતા લગભગ 4433 કિલો જેટલો પોશ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આરોપીઓને કન્ટેનરમાં બિસ્કીટની જાણીતી બ્રાન્ડના બોક્સની પાછલ આ જથ્થો છુપાવી રાખ્યો હતો. એનસીબીએ પોશ ડોડાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

એનસીબીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે માહિતી બાદ શંકાસ્પદ માર્ગ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની ઓળખ કર્યાં બાદ મહેસાણા ટોલ પ્લાઝા પાસે અટકાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.